Video: ઓડિશાના પુરીના પિપિલીમાં વીજ કર્મચારીઓનો હાઈવોલ્ટેજ ડ્રામા: પડતર માંગણીઓને લઈ બે યુવાનો ઊંચા ટાવર પર ચઢ્યા, બચાવ કામગીરી શરૂ કરાઈ

પડતર માંગણીઓના મુદ્દે ઓડિશાના પુરીના પિપિલીમાં તણાવપૂર્ણ દ્રશ્યો સર્જાયા છે. વીજ વિભાગના બે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે વીજળીના એક ઊંચા ટાવર પર ચઢી જતા સ્થાનિક લોકો અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ઓડિશાના પુરીના પિપિલીમાં બે યુવાનો વીજળીના ઊંચા ટાવર પર ચઢી ગયા હોવાની જાણ થતા સ્થાનિક રહેવાસીઓએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પિપિલી પોલીસ અને ફાયર સર્વિસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને યુવાનોને સુરક્ષિત નીચે ઉતારવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યારે પોલીસ અને સ્થાનિકો દ્વારા વારંવાર સમજાવવા છતાં બંને યુવાનો ટાવર પર જ અડગ રહ્યા હતા. સમય વીતવાની સાથે યુવાનોની સુરક્ષાને લઈને ચિંતા વધુ ઘેરી બની છે. જાણવા મળ્યા મુજબ, ટાવર પર ચઢેલા બંને યુવાનો વીજ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે અને પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ મનાવવા માટે તેમણે આ વિરોધ પગલું ભર્યું છે.
વીજ કર્મચારીઓ છેલ્લા 55 દિવસથી ટાટા પાવર અને ઓડિશા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે, જ્યારે તેમની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ આજે 18મા દિવસે પહોંચી છે. આંદોલનકારીઓનો આરોપ છે કે રાજ્ય સરકારનું વારંવાર ધ્યાન દોરવા છતાં તેમની માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે હવે વિરોધ ઉગ્ર બન્યો છે.














