‘મેટા, ભાજપ કા બેટા’ અભિયાન વચ્ચે કોંગ્રેસ સાથે મેટાના અધિકારીઓની બંધબારણે બેઠક

સોશિયલ મીડિયા કંપની મેટા (Meta) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ચર્ચાના ટેબલ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના યુવા સંગઠન દ્વારા મેટાની કન્ટેન્ટ મોડરેશન નીતિ (Content Moderation Policy) સામે વિરોધ પ્રદર્શન શરૂ કરાયાના ચાર દિવસ બાદ મેટાના ટોચના અધિકારીઓએ મંગળવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે પાર્ટીના નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી હતી. મેટા અને કોંગ્રેસ વચ્ચે આ પ્રથમ સીધી બેઠક હોવાનું સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે. બેઠકમાં ભારતમાં મેટાના બે મહત્વના અધિકારીઓ અમન જૈન અને નતાશા જોગ કંપનીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. બેઠક દરમિયાન મેટાના અધિકારીઓએ કંપનીની ઓફિસો સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને મેટાના CEO માર્ક ઝકરબર્ગને પોસ્ટરોમાં દર્શાવવાની રીત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ, કોંગ્રેસે પોતાના નેતાઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને પોસ્ટ્સ પર વધી રહેલા પ્રતિબંધો અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મેટા સત્તાધારી પક્ષને વધુ ફાયદો પહોંચાડે છે. જોકે, મેટાએ આ પ્રકારના પક્ષપાતના આરોપોને નકારી કાઢ્યા છે.
યુથ કોંગ્રેસનું મેટા સામે વિરોધ અભિયાન
કોંગ્રેસના યુવા સંગઠને મેટા પાસે સરકારના આદેશથી બંધ કરવામાં આવેલા એકાઉન્ટ્સ ફરી શરૂ કરવાની અને તેના અલ્ગોરિધમ (Algorithm) દ્વારા પોસ્ટ્સ પર પ્રતિબંધ કેવી રીતે મૂકવામાં આવે છે તે અંગે સ્પષ્ટતા કરવાની માગ કરી છે. યુથ કોંગ્રેસના કાર્યકરો મેટાની ઓફિસો નજીક હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
બેંગલુરુમાં ‘મેટા, ભાજપ કા બેટા’નાં હોર્ડિંગ્સ
મંગળવારે યુથ કોંગ્રેસે બેંગલુરુ એરપોર્ટ રોડ પર સદાહલ્લી ગેટ નજીક ‘મેટા, ભાજપ કા બેટા’ અભિયાન અંતર્ગત હોર્ડિંગ લગાવ્યું હતું. આ હોર્ડિંગમાં માર્ક ઝકરબર્ગને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જેવી વેશભૂષામાં દર્શાવવામાં આવ્યા હતા અને તેમને ‘માર્ક ભાજપ-બર્ગ’ નામ આપવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસનો આરોપ છે કે મેટા નફરત ફેલાવતા ભાષણો (Hate Speech) અંગેના પોતાના નિયમોનો અસમાન રીતે અમલ કરે છે અને ખોટી માહિતી (Misinformation) ફેલાતી અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે.
મેટાએ કાયદા મુજબ કામગીરીનો દાવો કર્યો
કોંગ્રેસે બેઠક અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નહોતી. બીજી તરફ, મેટાએ જણાવ્યું હતું કે ભારતમાં કન્ટેન્ટનું નિયંત્રણ દેશના કાયદા અને નિયમો અનુસાર કરવામાં આવે છે. આ બેઠક બાદ મેટા અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ કઈ દિશામાં આગળ વધે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.













