Video: ભુજથી જામનગર સુધી ચીનના ઉપગ્રહોની ચાર દિવસીય જાસૂસી

સોર્સ: gstv

સરહદ પર યુદ્ધ માત્ર મિસાઇલોથી નહીં, નજરોથી પણ લડાય છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના પશ્ચિમ કિનારે ચીનના ત્રણ સેટેલાઇટ્સની હાજરી અંગે ચર્ચા ઊભી થઈ છે. વિવિધ મીડિયા અહેવાલોમાં ભારતીય સ્પેસ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ કંપની દિગંતારાના વિશ્લેષણને ટાંકીને દાવો કરાયો છે કે આ ઉપગ્રહોએ ચાર દિવસ સુધી મહત્વપૂર્ણ વિસ્તારો પર નજર રાખી હતી..

ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનના નિંગ્શિયા-14, ગાઓફેન-11 અને યાઓગાન-30 નામના ત્રણ સેટેલાઇટ્સ ભારતના પશ્ચિમ કિનારા ઉપર સક્રિય રહ્યા હતા. આ ઉપગ્રહોએ ભુજ, નલિયા, જામનગર અને રિલાયન્સ રિફાઇનરીની ગતિવિધિઓ પર સતત દેખરેખ રાખી હતી. દિગંતારાના વિશ્લેષણ મુજબ, આ સેટેલાઇટ્સે ભારતીય નૌકાદળ અને વાયુસેનાના મહત્વપૂર્ણ ઠેકાણાઓની હિલચાલ પર નજર રાખી હતી. એટલું જ નહીં, બંદરો અને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારો પણ તેમની દેખરેખ હેઠળ હોવાનું જણાવાયું છે. ઓપરેશન સિંદૂર 7 મે, 2025ના રોજ શરૂ થયું હતું અને ચાર દિવસ સુધી ચાલ્યું હતું. અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે 7 મેના રોજ જ આ સેટેલાઇટ્સે પોતાની કક્ષા બદલી હતી.

જાહેરાત

ભુજનું રુદ્રમાતા એરફોર્સ સ્ટેશન કચ્છમાં પાકિસ્તાનની સરહદ નજીક આવેલું મહત્વપૂર્ણ વાયુસૈન્ય મથક છે. બીજી તરફ, નલિયામાં ભારતીય વાયુસેનાની 49મી વિંગ આવેલી છે. નલિયા પશ્ચિમ કચ્છમાં પાકિસ્તાનની સરહદ અને અરબી સમુદ્રની નજીક આવેલો ફોરવર્ડ એરબેઝ છે. તેની ભૌગોલિક સ્થિતિને કારણે જમીન અને દરિયાઈ માર્ગો પર નજર રાખવામાં આ વિસ્તારનું વિશેષ મહત્વ છે. ભારતની પશ્ચિમ સરહદે ઝડપી હવાઈ સુરક્ષા, દેખરેખ અને સૈન્ય કાર્યવાહી માટે આ બંને એરબેઝ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.

દિગંતારાના વિશ્લેષણથી ચીની સેટેલાઇટ્સની દેખરેખ પ્રવૃત્તિઓ અંગે માહિતી સામે આવી છે. જોકે, આ ઉપગ્રહોએ એકત્રિત કરેલી માહિતી પાકિસ્તાન સાથે વહેંચવામાં આવી હતી કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટ વિગતો ઉપલબ્ધ નથી. તેથી ચીનની સેટેલાઇટ દેખરેખ અને પાકિસ્તાન સાથે સંભવિત માહિતીની આપ-લે વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરી શકાય તેમ નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન 7 મેના રોજ પાકિસ્તાનના નવ ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવામાં આવ્યા હતા. તેમાં બહાવલપુર, મુરીદકે અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળો સામેલ હતા, જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હોવાનું જણાવાયું હતું. 8 મેના રોજ પાકિસ્તાને ભારતના પશ્ચિમી રાજ્યોમાં મોટા પાયે ડ્રોન હુમલા કર્યા, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા લગભગ તમામ ડ્રોનને નિષ્ક્રિય કરવામાં આવ્યા. 9 મેના રોજ ભારતે પાકિસ્તાનના છ સૈન્ય એરબેઝ પર હુમલા કર્યા. ત્યારબાદ 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી. જોકે, ભારતે તેને સ્પષ્ટપણે યુદ્ધવિરામ ગણાવ્યો નહોતો અને માત્ર ગોળીબાર બંધ કરવાની વાત કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ચીની સેટેલાઇટ્સની હિલચાલે ભારતની પશ્ચિમ સરહદ પર અંતરિક્ષીય દેખરેખ અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત