પરિસીમન મુદ્દે ખડગેના 4 પત્રોનો પણ જવાબ નહીં! જયરામ રમેશ બોલ્યા- PM મોદીએ શિષ્ટાચાર પણ ન જાળવ્યો

લોકસભાની બેઠકોના પ્રસ્તાવિત પરિસીમન (Delimitation) મુદ્દે કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર વિપક્ષ સાથે ચર્ચા નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે બુધવારે જણાવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ છેલ્લા સાત મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર પત્ર લખીને પરિસીમન અંગે ચર્ચા કરવાની માગ કરી હતી, પરંતુ સરકાર તરફથી એક સામાન્ય ઔપચારિક જવાબ પણ આપવામાં આવ્યો નથી. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો હતો કે સરકાર લોકસભામાં પરિસીમન સંબંધિત બિલ પસાર કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતી (Two-thirds Majority) મેળવવાના પ્રયાસમાં દબાણની રાજનીતિ કરી રહી છે.
કૌટિલ્યના અર્થશાસ્ત્રનો આપ્યો હવાલો
જયરામ રમેશે પોતાની પોસ્ટમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને સરકારને સંવાદનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સંસદમાં જરૂરી સંખ્યાબળ મેળવવા માટે દબાણ કરવાને બદલે ચર્ચા અને સમજૂતીનો રસ્તો અપનાવવો જોઈએ. તેમણે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં દર્શાવેલી ‘સામ, દામ, દંડ અને ભેદ’ની નીતિનો ઉલ્લેખ કરતાં કટાક્ષ કર્યો હતો કે સરકાર બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે છેલ્લી ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરી ચૂકી છે, પરંતુ સફળતા મળી નથી. હવે સરકારે પ્રથમ પદ્ધતિ એટલે કે સંવાદને તક આપવી જોઈએ.
ખડગેએ ચાર વખત પત્ર લખ્યા હોવાનો દાવો
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને 11 એપ્રિલ, 16 જુલાઈ, 27 ઓગસ્ટ અને 16 ઓક્ટોબરના રોજ પત્ર લખ્યા હતા. તમામ પત્રોમાં પરિસીમનના મુદ્દે ચર્ચા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે સરકાર તરફથી આ પત્રોનો સામાન્ય શિષ્ટાચાર મુજબ જવાબ આપવાનું પણ જરૂરી માનવામાં આવ્યું નથી.
લોકસભાની બેઠકો 850 સુધી વધારવાની ચર્ચા
પ્રસ્તાવિત પરિસીમન બિલ હેઠળ લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને વધુમાં વધુ 850 સુધી કરવાની જોગવાઈ હોવાની ચર્ચા છે. એનડીએનું કહેવું છે કે નવી વસ્તી ગણતરીના આંકડાઓના આધારે પરિસીમન કરવું બંધારણીય જરૂરિયાત છે અને તેનાથી મહિલા અનામતનો અમલ સરળ બનશે. બીજી તરફ, કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો હાલની 543 બેઠકો અને રાજ્યો વચ્ચે બેઠકોનું વર્તમાન પ્રમાણ જાળવી રાખીને મહિલાઓને 33 ટકા અનામત આપવાની માગ કરી રહ્યા છે. કોંગ્રેસનું સૂચન છે કે લોકસભાની હાલની રચનામાં જ મહિલા અનામતનો અમલ કરવામાં આવે.
પરિસીમન પર રાજકીય મતભેદો વધ્યા
જયરામ રમેશે પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના 1976ના અને અટલ બિહારી વાજપેયીના 2001ના નિર્ણયનો ઉલ્લેખ કરીને પરિસીમન પરની રોકને આગળ વધારવાની શક્યતા પણ રજૂ કરી હતી. પરિસીમન, મહિલા અનામત અને લોકસભાની બેઠકોની સંખ્યા જેવા મુદ્દાઓને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેનો મતભેદ આગામી દિવસોમાં સંસદમાં વધુ ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.













