Video: ભાજપમાં સીએમ ચહેરા અંગે ખેંચતાણ, યોગીએ કહ્યું કે બધા જ જાણે છે કે કોણ બનશે સીએમ!

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ વાર છે, પરંતુ ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.. મુખ્યમંત્રીના ચહેરા અંગેના સવાલ પર યોગી આદિત્યનાથે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોણ મુખ્યમંત્રીનો ચહેરો છે અને કોણ નથી, તે બધા જાણે છે. તેમના આ નિવેદનને ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના અગાઉના નિવેદન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. મૌર્યે કહ્યું હતું કે કમળનું ફૂલ જ ભાજપનો મુખ્યમંત્રી ચહેરો છે. યોગીએ પણ કમળને ભાજપની ઓળખ ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દરેક વ્યક્તિએ કમળના નિશાન પર ચૂંટણી લડવાની છે અને તેઓ પોતે પણ કમળના ફૂલ પર જ ચૂંટણી લડશે. જોકે, આ નિવેદનને કોઈ વ્યક્તિ વિશેષના નામની સત્તાવાર જાહેરાત તરીકે રજૂ કરવામાં આવ્યું નથી.

બીજી તરફ, કેશવ પ્રસાદ મૌર્યે મુખ્યમંત્રી પદ અંગે ફરી સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય ધારાસભ્ય દળ કરશે. તેમના કહેવા પ્રમાણે, યોગી આદિત્યનાથ પણ મુખ્યમંત્રી બની શકે છે અને અન્ય કોઈ નેતા પણ આ જવાબદારી સંભાળી શકે છે. આમ, એક તરફ યોગીનું સંકેતસભર નિવેદન અને બીજી તરફ મૌર્યની ધારાસભ્ય દળના નિર્ણય અંગેની વાતે ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચાને વધુ વેગ આપ્યો છે. 2027ની ચૂંટણી પહેલાં આ મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.

જાહેરાત

આ સિવાય ભગવા વસ્ત્રો અંગે થતી ટીકાઓનો જવાબ આપતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તેમને પોતાના દેશ અને ધર્મ પર ગૌરવ છે. જો કોઈ તેમને આ બધું છોડવાનું કહે તો તેઓ એવું નહીં કરે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમના વસ્ત્રોથી કોઈને પીડા થતી હોય તો થવા દો, તેમને કોઈની મહેરબાનીની જરૂર નથી. યોગીએ વધુમાં કહ્યું કે તેઓ કોઈના કારણે પોતાનાં વસ્ત્રો બદલવાના નથી. જાપાનની મુલાકાત દરમિયાન પણ તેઓ આ જ ભગવા વસ્ત્રો પહેરીને ગયા હતા. તેમના આ નિવેદનથી વસ્ત્રો અને વિચારધારા અંગેનો તેમનો મક્કમ અભિગમ સામે આવ્યો છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત