રાજસ્થાનમાં કોંગ્રેસનો દબદબો, 24 જિલ્લાઓમાં જીત; CM ભજનલાલ શર્માના ગઢમાં પણ ભાજપનો પરાજય

રાજસ્થાનમાં આજે (25 નવેમ્બર) જિલ્લા પરિષદના ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. કુલ 37માંથી 36 જિલ્લાનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં કોંગ્રેસે 24 જિલ્લાઓમાં જીત મેળવીને બાજી મારી છે. જ્યારે ભાજપને માત્ર 9 જિલ્લાઓમાં જીત મળી છે. બે જિલ્લાઓમાં ભારતીય આદિવાસી પાર્ટી (BAP) અને એક જિલ્લામાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)એ જીત મેળવી છે. એક બેઠકનું પરિણામ ટાઈ થયું છે, જ્યાં હવે લોટરી દ્વારા વિજેતા નક્કી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માના ગૃહ જિલ્લા ભરતપુરમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસનાં ઉમેદવાર રેણુ બાલા જિલ્લા પરિષદનાં ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ભરતપુરમાં કોંગ્રેસને 17 અને ભાજપને 14 મત મળ્યા હતા.
આ જિલ્લાઓમાં આ ઉમેદવારો જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાયાં
- ઝાલાવાડમાં ભાજપનાં વર્ષા ઝાલા જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાયાં.
- બાલોતરામાં સુશીલા ભીલ જિલ્લા પ્રમુખ બન્યાં.
- ચુરુમાં કનિકા સિંહ રાઠોડ જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાયાં.
- પ્રતાપગઢમાં હકરી મીણા જિલ્લા પ્રમુખ બન્યાં.
- અજમેરમાં પૂજા ભણસાલી જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાયાં.
અશોક ગેહલોતનું નિવેદન
જિલ્લા પ્રમુખની ચૂંટણીનાં પરિણામો અંગે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પંચાયત સમિતિઓની ચૂંટણીમાં હાર બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓએ હજુ સુધી સત્તાવાર રીતે પોતાની હાર સ્વીકારી નથી. ગેહલોતે વધુમાં કહ્યું કે હાર બાદ નેતાઓએ જનતા સામે માથું ઝુકાવીને પોતાની હાર સ્વીકારવી જોઈએ, પરંતુ ભાજપના નેતાઓનો અહંકાર હજુ ઉતર્યો નથી.











