મુંબઈ, પૂણેમાં ભારે વરસાદ, રસ્તા બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, અનેક લોકો ઘર છોડવા મજબૂર
દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકા

દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ અને પૂણેમાં ઠેરઠેર પાણી ભરાય છે. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકલ ટ્રેન સેવા પર પણ તેની અસર જોવા મળી રહી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં અનેક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
અંધેરી સબવે પાણીમાં ગરકાવ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુશળધાર વરસાદને કારણે અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયો હતો. જેથી વાહનોની અવરજવર માટે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અંધેરી ઉપરાંત એપીએમસી માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ
ડોમ્બિવલી કલ્યાણ વિસ્તારના શિલફાટા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. તેમજ વાહનો પણ અટવાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નવી મુંબઈ MAFCO માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
મીઠી નદીમાં ઘોડાપૂર આવ્યું
મુંબઈમાં પણ મીઠી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યાના કારણે અનેક જગ્યાએ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી કરાતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતાં ડેમમાં પાણીનો સંગ્રહ 66.77 ટકા થઈ ગયો છે. તુલસી, વિહાર બાદ તાનસામાં પણ પાણીના સંગ્રહમાં વધારો થયો છે. મોડકસાગર તળાવ પણ ઓવરફ્લો થવાના આરે છે.
BMCએ હાઈટાઈડનું એલર્ટ જાહેર કર્યું
BMCએ મુંબઈમાં આજે (25 જુલાઈ) બપોરે 3 વાગ્યે હાઈટાઈડનું એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠે 4થી 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની સંભવાના છે. જેના પગલે લોકોને દરિયાકાંઠે નહીં જવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત પૂણેની સ્થિતિ પણ ખરાબ છે, ત્યાં ઘણા વિસ્તારમાં 100 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.
એર ઈન્ડિયાએ આપી ચેતવણી
મુંબઈમાં વરસાદને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવીનતમ માહિતી શેર કરી છે. કહ્યું, 'ભારે વરસાદને કારણે મુંબઈ જતી અને આવતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. ધીમા ટ્રાફિક અને પાણી ભરાવાને જોતા, એરપોર્ટ પર પહોંચવા માટે થોડા વહેલા નીકળવાની સલાહ આપવામાં આવે છે.
પુણે શહેર, પિંપરી ચિંચવાડ અને જિલ્લાના પશ્ચિમ ભાગોમાં ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરી છે.
જિલ્લા કલેક્ટર સુહાસ દિવસેએ જણાવ્યું કે ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ખડકવાસલા વિસ્તાર, ભોર, વેલ્હા, માવલ, મુલશી, હવેલી તાલુકા અને પુણે શહેર અને પિંપરી ચિંચવડ વિસ્તારની શાળાઓને 25 જુલાઈએ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં લોનાવલામાં 299 મીમી, લવાસામાં 417 મીમી અને જુન્નરમાં 214 મીમી વરસાદ નોંધાયો છે. શિવાજીનગરમાં 101 મીમી, ચિંચવાડ શહેરમાં 156 મીમી વરસાદ નોંધાયો છે. અહીં ભારે વરસાદને કારણે ડેમની જળસપાટીમાં વધારો થતાં સિંચાઈ વિભાગ દ્વારા ખડકવાસલા ડેમમાંથી 35 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.
જેના કારણે સિંહગઢ રોડ પરની હાઉસીંગ સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે. પીએમસીએ માહિતી આપી છે કે એકતા નગરી વિસ્તારમાં ઓછામાં ઓછી 4 હાઉસિંગ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે લોકોને સોસાયટીઓ છોડવી પડી છે. હાલ રાહત કાર્ય ચાલી રહ્યું છે. પડી ગયેલા વૃક્ષોને કારણે ભવાની પેઠમાં રસ્તો બ્લોક થઈ ગયો છે અને વડગાંવ બુદ્રુકમાં બાઉન્ડ્રી વોલ તૂટી પડવાના અહેવાલો છે.








