ગુજરાત-રાજસ્થાન સહિત 26 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, મણિપુર-આસામમાં પૂરની સ્થિતિ
દેશના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પૂર્વોત્તરના ભાગમાં સ્થિતિ વધારે ખરાબ છે. મણિપુર

દેશના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. પૂર્વોત્તરના ભાગમાં સ્થિતિ વધારે ખરાબ છે. મણિપુર અને આસામમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. મણિપુરમાં સ્કૂલ-કોલેજ ગુરૂવાર સુધી બંધ કરી દેવામાં આવી છે. નાગાલેન્ડમાં કેટલાક દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓથી પાંચ લોકોના મોત થયા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગુજરાત-રાજસ્થાન સહિતના રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમમાં અતિ ભારે વરસાદ અને 9 રાજ્ય હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 24 કલાક અહીં વરસાદનું અનુમાન
હવામાન વિભાગનું આકલન કરનાર એજન્સી સ્કાઇમેટનું કહેવું છે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડના કેટલાક ભાગમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત પૂર્વ ગુજરાત, બિહાર, ઝારખંડ, દિલ્હી, કર્ણાટક, કોંકણ અને ગોવા, મધ્ય પ્રદેશનો કેટલોક ભાગ, છત્તીસગઢ અને અંદમાન અને નિકોબાર ટાપુમાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તાર, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, ઓરિસ્સા, કેરળ, હિમાચલ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ અને લક્ષદ્વીપમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી તરફ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાયલસીમા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને તમિલનાડુમાં પણ વરસાદ પડી શકે છે.








