મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'53 કરોડ આપો અને 63 બેઠકના EVM હેક કરાવો', મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા હેકરની કોંગ્રેસને ઓફર

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને 4 દિવસ જ બચ્યા છે ત્યારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં

'53 કરોડ આપો અને 63 બેઠકના EVM હેક કરાવો', મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા હેકરની કોંગ્રેસને ઓફર

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને 4 દિવસ જ બચ્યા છે ત્યારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ગરબડનો મુદ્દો પાછો ગાજ્યો છે. અમેરિકામાં ડીફેન્સ ડીપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હોવાનો દાવો કરનારા સૈયદ શુજા નામના હેકરે મહા વિકાસ અઘાડી (MVA)ના સીનિયર સાંસદને ફોન કરીને EVM હેક કરાવવા માટે પૈસા ફેંકો અને ચૂંટણી જીતોની ઓફર કરી છે. શુજાની વાત કોંગ્રેસના સીનિયર નેતા સાથે થયાનું સ્પષ્ટ છે કેમ કે, શુજા સાથેની વાતચીતમાં પાર્ટી 102 બેઠકો પર લડી રહી હોવાનો ઉલ્લેખ છે. મહારાષ્ટ્રમાં બીજી કોઈ પાર્ટી 102 બેઠકો પર નથી લડી રહી. 

હેકરનો મોટો દાવો

હેકર શુજાએ પોતાને 53 કરોડ રૂપિયા અપાય તો પોતે 63 વિધાનસભા બેઠકોનાં EVM હેક કરીને પોતે જીતાડી આપશે એવો દાવો કર્યો છે. શુજાના કહેવા પ્રમાણે, ગ્રાઉન્ડ પર 65 માણસો અપાય ને પોતે કહે એ રીતે કામ કરાય તો પોતે EVM હેક કરીને ધાર્યાં પરિણામ આપી શકે છે. પોતાને વ્હીસલબ્લોઅર ગણાવતા શુજાએ મહારાષ્ટ્રના ઘણા નેતાને ફોન કરેલા પણ કોઈએ તેને ભાવ નહોતો આપ્યો. કોંગ્રેસના આ સાંસદે શુજાની ઓફર વિશે એક ટોચની ટીવી ચેનલને વાત કરી. આ ટીવી ચેનલે પોતાના બે પત્રકારોને સાંસદના સહાયક તરીકે રજૂ કરીને તેની સાથે વાત કરી તેમાં શુજાની ઓફર આખી દુનિયા સુધી પહોંચી ગઈ. 

શુજાનો દાવો છે કે, કોઈ એક ફોનમાં વિશેષ એપ્લિકેશન સાથેની વ્યક્તિ બૂથની નજીક જાય અને આખા વિસ્તારને સ્કેન કરે તો પોતે EVM હેક કરી શકે છે. શુજાના કહેવા પ્રમાણે, અત્યારે ભારતમાં ૪જી અને ૫જી નેટવર્ક ચાલે છે જ્યારે EVM ૨જી નેટવર્ક પર ચાલે છે તેથી EVM હેક કરવા માટે પોતાને ફ્રીક્વન્સીને આઈસોલેટ કરવાની જરૂર પડશે. ફ્રીક્વન્સી આઈસોલેટ કરાશે તો કોઈ તેને પકડી નહીં શકે. શુજાએ પોતાને EVMનાં કંટ્રોલ યુનિટ, વીવીપેટ મશીન અને બેલેટ યુનિટની માહિતી આપવી પડશે એવું પણ કહ્યું છે. 

આ પણ વાંચો: શરદ પવારે કબૂલ્યું કે અદાણીના ઘરે..., અમિત શાહ પણ હતા હાજર

EVMમાં સીકવન્સ કોડ સૌથી મોટી ચેલેન્જ

શુજાના દાવા પ્રમાણે, EVMમાં સૌથી મોટી ચેલેન્જ સીક્વન્સ કોડ છે. દરેક બુથમાં મુખ્ય પાર્ટીઓના સીક્વન્સ કોડ અલગ અલગ હોય છે. આ સંજોગોમાં યોગ્ય સીક્વન્સ કોડ જાણી લેવા જરૂરી છે કે જેથી આપણે ધારીએ એ ઉમેદવારને મત અપાવી શકીએ. શુજાએ એવી ચેતવણી પણ આપી છે કે, ખોટો સીક્વન્સ કોડ આવી જાય તો કોંગ્રેસને જીતાડવા બેઠા હોઈએ ને ભાજપને જીતાડી દઈએ એવું પણ બને તેથી રીટર્નિંગ ઓફિસરને પૂછીને સીક્વન્સ કોડ જાણવા પડે. વીવીપેટની માહિતી હોય તો પણ સીક્વન્સ કોડ જાણી શકાય. EVMને પહેલાંથી ભાજપને મત મળે એ રીતે સીક્વન્સમાં ગોઠવાયાં હોય તો પોતે તેને બદલી નાંખશે અને ચૂંટણી પંચને એવી ફાઈલ મોકલશે કે જેમાં કોંગ્રેસને વધારે મત મળ્યા હોય. 

2019 લોકસભા ચૂંટણીમાં પણ કર્યો હતો EVM હેકનો દાવો

શુજાનો દાવો ચોંકાવનારો છે પણ આ દાવાને કોઈએ ગંભીરતાથી લીધો નથી. તેનું કારણ એ કે, શુજાએ આ પહેલાં પણ ઈવીએમ હેક કરી બતાવવાનો દાવો કરેલો પણ છેલ્લી ઘડીએ પાણીમાં બેઠો હતો. લોકસભાની 2019ની ચૂંટણી પહેલાં સઈદ શુજાએ  ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના બેનર હેઠળ લંડનમાં પત્રકાર પરિષદ કરીને દાવો કરેલો કે, ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી ઈવીએમમાં ગરબડો કરીને જીતી હતી. શુજાએ દાવો કરેલો કે,EVMની હેકેથ્લોનમાં પોતે EVM હેક કરી બતાવેલું. 2019ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો ત્યારે પોતે ભાજપે  મોકલેલાં સિગ્નલને રોકીને પોતાનાં સિગ્નલ મોકલતાં આમ આદમી પાર્ટી જીતી હતી એવો પણ શુજાનો દાવો હતો. 

શુજાએ ઓનલાઈન EVM હેકિંગનો ડેમો બતાવવાની ડંફાશ મારેલી. તેના કારણે ભારે ઉત્તેજના સર્જાઈ હતી પણ શુજા ડેમો બતાવવા આવ્યો જ નહીં. શુજાએ એ વખતે દાવો કરેલો કે મિલિટરી રેડિયો ફ્રીક્વન્સી દ્વારા EVM હેક કરી શકાય છે. અત્યારે શુજાનો દાવો છે કે, પોલીસ વોકીટોકીમાં જે ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે એ ફ્રીક્વન્સી પર EVM કામ કરે છે. 

આ પણ વાંચો: 'બટેંગેં તો કટંગે' પર NDAમાં વિવાદ, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ આવ્યા સામસામે

કોંગ્રેસે ઉઠાવવું જોઇએ જોખમ

શુજાનો દાવો કેટલો સાચો છે એ ખબર નથી પણ કોંગ્રેસે શુજાને ચકાસવા ખાતર પણ થોડુંક જોખમ ઉઠાવવું જોઈએ. શુજા તો પોતાની પાસે મહારાષ્ટ્ર વિધાનસભાની 
288માંથી 281 બેઠકોનાં EVMનાં એક્સેસ હોવાનું કહે છે પણ તેમાંથી ઘણાંને હેક કરી શકાય તેમ નથી એવું પણ કહે છે. અલબત્ત કોંગ્રેસના ભાગે આવેલી 102 બેઠકોમાંથી 63 બેઠકો હેક કરવાની તેનામાં તાકાત હોવાનો શુજાનો દાવો છે. 

કોંગ્રેસે શુજાને સેમ્પલ તરીકે પાંચેક બેઠકોનાં EVM હેક કરવાનું કામ સોંપવું જોઈએ. તેના માટે પાંચેક કરોડ રૂપિયા ખર્ચવા પડે તો એ ખર્ચી નાંખવા જોઈએ કેમ કે તેના કારણે સત્યનાં પારખાં થઈ જશે. EVM હેક થઈ જાય તો અત્યાર સુધી જે પણ આક્ષેપો થયા છે એ સાચા ઠરશે ને કોંગ્રેસના હાથમાં મોટો મુદ્દો આવી જશે. 

ઈવીએમ હેક ના થાય તો તેરા તેલ ગયા ઔર મેરા ખેલ ગયા સમજીને કોંગ્રેસે 5 કરોડ રૂપિયા અને શુજા બંનેને ભૂલી જવાનાં. કોંગ્રેસનું આ પગલું દેશના ફાયદામાં પણ છે કેમ કે દેશની ચૂંટણી પધ્ધતિ સામેની તમામ શંકાઓના તેમાં જવાબ મળી જશે.

અમેરિકામાં રહે છે હેકર

શુજાનો દાવો હતો કે, પોતે 2014ની ચૂંટણી ભાજપ EVM હેક કરીને જીત્યો હોવાનો ભાંડો ફોડયો પછી પોતાના પર હુમલો થયો હતો. પોતાના જીવને ખતરો હોવાનો દાવો કરીને શુજાએ અમેરિકામાં રાજ્યાશ્રય માંગ્યો હતો. અમેરિકાએ રાજ્યાશ્રમ આપતાં શુજા 2018થી અમેરિકાના શિકાગોમાં રહે છે. કેટલાક રીપોર્ટ એવા છે કે, શુજા કેનેડામાં રહે છે અને ભારત સામે નિરાધાર આક્ષેપો કરે છે. ભારતમાં ચૂંટણી પંચની ફરિયાદના આધારે શુજા સામે કેસ નોંધાયેલો છે તેથી  શુજા ભારત પાછો આવી શકે તેમ નથી.

EVM હેકિંગના ચક્કરમાં ભાજપના મંત્રી ગોપીનાથ મુંડેની હત્યા થયેલી ? 

શુજાએ 2019માં સનસનાટીભર્યો દાવો કરેલો કે, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેને EVMમાં ગરબડના ખેલની ખબર પડી ગયેલી તેથી તેમની હત્યા કરી દેવાઈ હતી અને પછી  હત્યાને એક્સિડંટમાં ખપાવી દેવાઈ હતી. 2014ની મોદી સરકારમાં મંત્રી મુંડેનું સરકાર રચાયાના ત્રણ મહિનામાં જ દિલ્હીમાં મોત થયેલું. શુજાની આ વાત ગળે ઉતરે એવી નહોતી કેમ કે મુંડે પોતે ભાજપના નેતા હતા. ભાજપ ઈવીએમમાં ગરબડ કરીને જીત્યો હોય તો પણ મુંડેને જીત સામે કોઈ વાંધો ના હોય કેમ કે તેમની પાર્ટી સત્તામાં આવી હતી અને તેમને પોતાને કેબિનટમાં મંત્રી બનાવાયા હતા. 

શુજાના બીજા દાવા પણ ખોટા પડયા છે. શુજાનો મિલિટરી રેડિયો ફ્રીક્વન્સી દ્વારા EVM હેક કરી શકાય એવો દાવો પણ ટેકનિકલી સાબિત થયો નથી.  નિષ્ણાતોના મતે, મિલિટરી રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને ઈવીએમ સાથે કોમ્યુનિકેટ કરવા અમુક કિલોમીટરની રેન્જ ધરાવતા એન્ટેના જોઈએ. કોઈ પણ ચૂંટણીમાં આ એન્ટેના ઈવીએમની નજીક નહોતા. ઈવીએમ હેક કરવા 100 બિટ્સ પર સેકન્ડ ડેટા ટ્રાન્સમિટ કરાયાનો દાવો પણ ખોટો હતો કેમ કે આઈ સ્પીડે 11 લાખ EVMને હેર કરવામાં દાયકાઓ નિકળી જાય તેથી શુજાનો દાવો ખોટો સાબિત થયેલો.

આ સમાચાર શેર કરો