પાકિસ્તાની નાગરિકો સહિત અનેક વિદેશીઓને ભારત સરકારની મોટી રાહત! પાસપોર્ટ-વિઝાના નિયમોમાં ફેરફાર

એક અહેવાલ મુજબ ભારત સરકારે દેશમાં રહેતા વિદેશી નાગરિકોની કેટલીક શ્રેણીઓ માટે પાસપોર્ટ અને વિઝા સંબંધિત નિયમોમાં છૂટછાટ આપી છે. તેમાં ચોક્કસ શરતોને આધીન કેટલાક પાકિસ્તાની નાગરિકો, પાડોશી દેશોમાંથી આવેલા લઘુમતી શરણાર્થીઓ, શ્રીલંકન તમિલો અને તિબેટીયનોનો સમાવેશ થાય છે. આ ફેરફારો 'ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (એક્ઝેમ્પશન) (એમેન્ડમેન્ટ) ઓર્ડર, 2026' હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત, નેપાળ અને ભૂટાનના નાગરિકો એકબીજાના દેશમાં મુસાફરી કરે ત્યારે ઓળખ અને પ્રવાસ સંબંધિત નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવાર, 5 નવેમ્બરના રોજ ગેઝેટમાં સુધારેલા આદેશને પ્રકાશિત કર્યો હતો. તેમાં ચોક્કસ વર્ગના લોકોને પાસપોર્ટ અને વિઝા સંબંધિત નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, ઇમિગ્રેશન, સુરક્ષા મંજૂરી અને નોંધણી સંબંધિત કેટલીક શરતો યથાવત રાખવામાં આવી છે.
2009 પહેલાં ભારતમાં આવેલા કેટલાક પાકિસ્તાની નાગરિકોને પાસપોર્ટ રિન્યૂ કરાવવામાંથી મુક્તિ
સુધારેલા નિયમો અનુસાર, 31 ડિસેમ્બર, 2009ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશેલા અને અહીં કાયમી વસવાટ કરવાનો ઇરાદો ધરાવતા કેટલાક પાકિસ્તાની નાગરિકોને પાસપોર્ટ રિન્યૂ કરાવવાની સામાન્ય પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકે છે. જો તેમની પાસે પાકિસ્તાન દ્વારા જારી કરવામાં આવતું કમ્પ્યુટરાઇઝ્ડ નેશનલ આઇડેન્ટિટી કાર્ડ (CNIC) ન હોવાને કારણે તેઓ પોતાના પાસપોર્ટનું નવીનીકરણ કરાવી શકતા ન હોય, તો તેમને આ છૂટછાટનો લાભ મળી શકે છે.
જોકે, આ મુક્તિ માટે કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવી છે. આ વ્યક્તિઓએ પાકિસ્તાનમાં લગ્ન કર્યા ન હોવા જોઈએ અને ત્યાં કોઈ સ્થાવર મિલકત પણ ખરીદી ન હોવી જોઈએ. આ ઉપરાંત, તેમના પરિવારના સભ્યો ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમણે પાકિસ્તાન પરત નહીં ફરવાની બાંયધરી આપવી પડશે. તેમની સામે કોઈ પ્રતિકૂળ પોલીસ રિપોર્ટ કે સુરક્ષા સંબંધિત અહેવાલ પણ ન હોવો જોઈએ.
આ આદેશમાં ભારતીય મૂળના એવા કેટલાક લોકોને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમણે મલેશિયા અથવા સિંગાપોરની નાગરિકતા મેળવી હતી અને તે દેશોના પાસપોર્ટ પર 31 ડિસેમ્બર, 2009ના રોજ અથવા તે પહેલાં ભારત પરત ફર્યા હતા. જો તેમના પાસપોર્ટની મુદત પૂરી થઈ ગઈ હોય અને સંબંધિત દેશોની શરતો પૂર્ણ ન થવાને કારણે તેઓ તેનું નવીનીકરણ કરાવી શકતા ન હોય, તો તેઓ પણ આ છૂટછાટ માટે પાત્ર બની શકે છે.
લઘુમતી શરણાર્થીઓ અને શ્રીલંકન તમિલોને પણ રાહત
સુધારેલા આદેશ હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને પણ છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટછાટ એવા લોકોને લાગુ પડશે, જેઓ ધાર્મિક અત્યાચારનો ભોગ બન્યા હોય અથવા અત્યાચારનો ભય હોવાને કારણે 31 ડિસેમ્બર, 2024ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા હોય. તેમાં માન્ય પ્રવાસ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશેલા લોકો અથવા જેમના પ્રવાસ દસ્તાવેજોની મુદત પૂરી થઈ ગઈ છે, તેવા લોકોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત, 9 જાન્યુઆરી, 2015ના રોજ અથવા તે પહેલાં ભારતમાં શરણાર્થી તરીકે આશ્રય લેનારા અને નોંધાયેલા શ્રીલંકન તમિલ નાગરિકોને પણ આ નિયમો હેઠળ રાહત આપવામાં આવી છે. તિબેટીયન નાગરિકોને પણ આ છૂટછાટનો લાભ મળશે. તેમાં 1959થી 30 મે, 2003 દરમિયાન નિર્ધારિત માર્ગો અને ચોક્કસ પરવાનગીઓ હેઠળ ભારતમાં પ્રવેશેલા લોકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિશેષ પ્રવેશ પરવાનગી દ્વારા ભારતમાં આવેલા તિબેટીયનોને પણ નોંધણી સંબંધિત શરતોને આધીન આ લાભ મળશે. જોકે, પાસપોર્ટ રિન્યૂ કરાવવાની ખાસ છૂટછાટ હેઠળ આવતી વિદેશી નાગરિકોની ત્રણ શ્રેણીઓએ ભારતમાં પોતાનો વસવાટ ચાલુ રાખવા માટે યોગ્ય વિઝા મેળવવો ફરજિયાત રહેશે.
ભારત, નેપાળ અને ભૂટાન વચ્ચે મુસાફરીના નિયમો પણ સ્પષ્ટ કરાયા
સરકારે ભારત, નેપાળ અને ભૂટાનના નાગરિકો વચ્ચેની સીધી મુસાફરીના નિયમોમાં પણ સ્પષ્ટતા કરી છે. નવા નિયમો અનુસાર, આ ત્રણેય દેશોના નાગરિકો જમીન માર્ગ અથવા હવાઈ માર્ગે એકબીજાના દેશમાં સીધી મુસાફરી કરે ત્યારે સામાન્ય પાસપોર્ટના બદલે સરકારના વિઝા મેન્યુઅલમાં નિર્ધારિત ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરી શકશે. જોકે, ભારતીય નાગરિકો નેપાળ અથવા ભૂટાન થઈને કોઈ ત્રીજા દેશમાં જતા હોય અથવા ત્યાંથી ભારત પરત ફરતા હોય, તો તેમની પાસે માન્ય પાસપોર્ટ હોવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત, તેમણે નિર્ધારિત ઇમિગ્રેશન ચેકપોસ્ટનો જ ઉપયોગ કરવો પડશે.
બીજી તરફ, નેપાળ અને ભૂટાનના નાગરિકો જો ચીન, મકાઉ, હોંગકોંગ અથવા પાકિસ્તાન થઈને અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ કરીને ભારતમાં પ્રવેશતા હોય કે ભારતમાંથી બહાર જતા હોય, તો તેમની પાસે માન્ય પાસપોર્ટ અને વિઝા હોવા જરૂરી રહેશે.














