Video: પાકિસ્તાની સેનાએ ક્રૂરતાની તમામ હદો વટાવી, અનેકનાં દર્દનાક મોત

પાકિસ્તાનની સરકાર અને સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. PoKના રાવલકોટમાં પોતાના હક માટે અવાજ ઉઠાવી રહેલા નિર્દોષ નાગરિકો પર પાકિસ્તાની રેન્જર્સ, ફ્રન્ટિયર કોર્પ્સ અને પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેમજ રહેણાંક વિસ્તારો પર બારૂદ ભરેલા ડ્રોનથી હુમલો કર્યો હતો, જેના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આવામી એક્શન કમિટીના બેનર હેઠળ લોકો શાંતિપૂર્ણ ધરણાં કરી રહ્યા હતા. તે સમયે પાકિસ્તાની સુરક્ષા દળોએ કોઈપણ ચેતવણી આપ્યા વિના પ્રદર્શનકારીઓને ઘેરીને સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. માત્ર 2 કલાકમાં 7 નિર્દોષ નાગરિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 23થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સેનાએ રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ ઉપરાંત સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવીને આકાશમાંથી બોમ્બ ઝિંક્યા હતા.





