કેન્દ્ર સરકારના દિવ્યાંગ કર્મચારીઓ માટે ખુશખબર! સરકારી આવાસ યોજનામાં મળશે 4 ટકા અનામત
કેન્દ્ર સરકારે દિવ્યાંગ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્ર સરકાર હેઠળની સેન્ટ્

કેન્દ્ર સરકારે દિવ્યાંગ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્ર સરકાર હેઠળની સેન્ટ્રલ હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં દિવ્યાંગોને 4 ટકા ક્વોટા આપવાનો નિર્ણય લીધો છે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે તેને સમાવિષ્ટ શાસન તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. મંત્રાલયે આ સંદર્ભમાં આદેશો જારી કર્યા છે. જેમાં દિવ્યાંગોને જનરલ પૂલ હેઠળ પૂરા પાડવામાં આવેલા આવાસોમાં પણ આ અનામતનો લાભ આપવાની જોગવાઈ છે.
હવે, દિવ્યાંગ કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાળવવામાં આવતા સરકારી આવાસમાં ચાર ટકા અનામત મેળવી શકશે. આનાથી ફક્ત દિવ્યાંગ કર્મચારીઓને ઘરની સુવિધા મળવાની ઉપરાંત જાહેર સેવાઓમાં સમાનતા, સન્માન અને સુલભતામાં વધારો કરશે. મંત્રાલયે એક અખબારી યાદીમાં આ પગલાને વડાપ્રધાન મોદીના 'સબકા સાથ, સબકા વિકાસ' ના મૂળ મંત્રનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
RPwD એક્ટ, 2016 હેઠળ લીધુ પગલું
મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો (RPwD) અધિનિયમ, 2016 અનુસાર, એસ્ટેટ ડાયરેક્ટોરેટે દિવ્યાંગો માટે કેન્દ્ર સરકારના કુલ રહેણાંક સંકુલોમાં વાજબી પ્રવેશ સુનિશ્ચિત કરવા એક ઓફિસ મેમોરેન્ડમ રજૂ કર્યું છે. આ પહેલ નાગરિકના સશક્તિકરણ પ્રત્યે પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે એટલું જ નહીં, પરંતુ સમાવિષ્ટ અને સુલભ ભારતનો પાયો પણ મજબૂત બનાવે છે.
યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) આપવું જરૂરી
આ અનામતનો લાભ લેવા માટે યુનિક ડિસેબિલિટી આઈડી રજૂ કરવુ જરૂરી છે. 22 મે, 2025ના રોજ મંત્રાલયના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર દ્વારા જારી કરાયેલા ઓફિસ ઓર્ડરમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) તેમની અપંગતાને પ્રમાણિત કરવા માટે માન્ય પ્રમાણપત્ર રહેશે. તે સક્ષમ વિભાગીય અધિકારી દ્વારા પ્રમાણિત હોવું આવશ્યક છે. આ ક્વોટા હેઠળ રહેઠાણ મેળવવા માંગતા કર્મચારીઓએ દર મહિને ઈ-સંપદા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. આ ફાળવણી દર મહિને ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.






