મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગાયને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો આપો નહિતર દિલ્હી કૂચ કરીશું, સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો આપવાની માંગ

ગાયને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો આપો નહિતર દિલ્હી કૂચ કરીશું, સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો આપવાની માંગ સાથે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો, આચાર્યો અને પીઠાધીશ્વરો તેમજ અલગ અલગ પરંપરાના સંતોએ ભાગ લીધો હતો.

સંમેલનમાં ત્રણ પ્રસ્તાવો સર્વસંમતિથી પસાર કરાયા

આ ધાર્મિક સંમેલનમાં ત્રણ પ્રસ્તાવો સર્વસંમતિથી પસાર કરાયા છે. તેમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો, સમગ્ર દેશમાં ગૌવધ પર એકસમાન અને કડક કાયદો બનાવવો અને ગૌ માતાના સંરક્ષણ માટે નક્કર પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ

ગૌ માતા ઉચ્ચ અધિકાર સમિતિ દ્વારા યોજાયેલ ધર્મસભામાં જે મુખ્ય નિર્ણયો લેવાયા છે, તે અંગે સરકાર માંગ નહીં સ્વીકારે તો માર્ચ મહિનામાં દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે, જો ત્રણ મહિનામાં માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો દેશભરના સવા લાખ સંતો, મહાત્માઓ, અનુયાયીઓ સાથે દિલ્હી કૂચ કરશે. જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ દિલ્હીથી પાછા નહીં ફરે.

ધર્મસભામાં માત્ર ધર્માચાર્યો જ સામેલ, રાજકીય વ્યક્તિઓને સ્થાન નહીં

જયપુરની એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયેલી આ ધર્મસભાનું આયોજન મહામંડલેશ્વર કમ્પ્યુટર બાબાએ કર્યું હતું. આ ધર્મસભાની અધ્યક્ષતા આવાહન અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રકાશાનંદ ગિરીજી મહારાજે કરી હતી. આ સંમેલનમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, તેમાં માત્ર ધર્માચાર્યો જ સામેલ હતા.

આ સમાચાર શેર કરો