ઉત્તર પ્રદેશ: કાનપુરમાં ફરી ટ્રેનને ઉડાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળી આવ્યું
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એક વખત ટ્રેનને ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાનપુરમાં રેલવે ટ્રેક પર એક ગેસ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એક વખત ટ્રેનને ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાનપુરમાં રેલવે ટ્રેક પર એક ગેસ સિલિન્ડર મળ્યું છે. આ સિલિન્ડર સાથે ટ્રેનના ટકરાયા બાદ કોઇ પણ મોટી દૂર્ઘટના સર્જાઇ શક્તિ હતી. તાજેતરમાં કાનપુરમાં જ કાલિંદી એક્સપ્રેસને પલટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. કાલિંદી એક્સપ્રેસના ટ્રેક પર એલપીજી સિલિન્ડર મુકવામાં આવ્યું હતું. આ સિવાય રેલવે લાઇન પાસે પેટ્રોલ અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, નોર્થન સેન્ટ્રલના પ્રયાગરાજ ડિવીઝનના પેરમ્બૂર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર એલપીજીનો નાનો સિલિન્ડર મળ્યો હતો. અહીંથી માલગાડી પ્રસાર થવાની હતી.જોકે, લોકો પાયલોટે માલગાડીને રોકી દીધી હતી જે બાદ એક મોટી દૂર્ઘટના ટળી હતી. જે જગ્યાએ રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યો છે તે કાનપુર જિલ્લામાં આવે છે.
રેલવે પોલીસે શું કહ્યું?
રેલવે સુરક્ષા દળના એસપીએ જણાવ્યું કે રેલવે ટ્રેક પર પાંચ કિલોની ક્ષમતા ધરાવતા એલપીજીનો ખાલી સિલિન્ડર મળી આવ્યો છે. ટ્રેનની સ્પીડ ઘણી ધીમી હતી. લોકો પાયલોટે જ્યારે સિલિન્ડરને જોયો તો ઇમરજન્સી બ્રેક લગાવી હતી અને તે બાદ અધિકારીઓેને ઘટનાની જાણ કરી હતી. આ મામલે CRPFએ પણ તપાસ શરૂ કરી છે. સાથે જ તેની જાણકારી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી છે.
આ પહેલા પણ ટ્રેનને ઉડાવવાનું હતું ષડયંત્ર
આઠ સપ્ટેમ્બરે રાત્રે 8.30 વાગ્યે કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસ ટ્રેનને બ્લાસ્ટ કરીને ઉડાવવાનું ષડયંત્ર સામે આવ્યું હતું. પ્રયાગરાજથી ભિવાની તરફ જતી કાલિંદી એક્સપ્રેસ રેલવે ટ્રેક પર રાખેલા એલપીજી ગેસથી ભરેલા સિલિન્ડર સાથે ટકરાઇ હતી. તે બાદ જોરદાર ધડાકો પણ થયો હતો. આટલું જ નહીં ઘટનાસ્થળેથી પેટ્રોલ ભરેલી બોટલ અને માચિસની સાથે દારૂગોળો પણ મળી આવ્યો હતો. આ ઘટનાની તપાસ NIAને સોપવામાં આવી છે. આ સિવાય યુપી એટીએસ અને જીઆરપી પણ તપાસ કરી રહી છે.








