મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા', રાજ્યસભામાં વિદેશ મંત્રીનું સંબોધન

બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઇને સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સંબોધન કર્યું હતુ

'બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા', રાજ્યસભામાં વિદેશ મંત્રીનું સંબોધન

બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઇને સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સંબોધન કર્યું હતું. રાજ્યસભામાં વિદેશ મંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં જુલાઇથી જ હિંસા ચાલુ છે. બાંગ્લાદેશમાં પોલીસ ઉપર હુમલા થયા છે. 

લઘુમતી વેપારીઓના ઘર અને મંદિરો પર હુમલા થયા- જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં સ્થિતિને લઇને રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. વિદેશ મંત્રીએ કહ્યું, "બાંગ્લાદેશ આપણી ઘણી નજીક છે. જાન્યુઆરીથી ત્યાં ટેન્શન છે. બાંગ્લાદેશમાં જૂન-જુલાઇમાં હિંસા શરૂ થઇ હતી. અમે ત્યાની રાજકીય પાર્ટીઓના સંપર્કમાં છીએ. કોટા સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ બાંગ્લાદેશમાં સ્થિતિ સુધરી નથી અને શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું છે. 4 ઓગસ્ટે સ્થિતિ વધારે બગડી હતી. 

વિદેશ મંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશના રાજકારણમાં મોટું વિભાજન અને ધ્રુવીકરણ થયું છે. અમે સ્થિતિ સામાન્ય થવાની આશા કરી રહ્યાં છીએ. આપણી સરહદો પર સુરક્ષાદળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તે એલર્ટ છે. બાંગ્લાદેશમાં 18 હજારની આસપાસ ભારતીય છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરત આવી ગયા છે. ત્યાં 12થી 13 હજાર લોકો હજુ પણ છે. હિન્દુ લઘુમતી વેપારીઓના ઘર અને મંદિરો પર હુમલા થયા છે અને આ સૌથી ચિંતાજનક વાત છે. અમે ઢાકાના સંપર્કમાં છીએ અને પોતાના રાજદૂતો અને હિન્દુ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.

સરકારે બોલાવી સર્વદળીય બેઠક

સરકારે બાંગ્લાદેશના મુદ્દા પર સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યસભામાં નેતા જેપી નડ્ડા, સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજૂ બેઠકમાં હાજર હતા.. રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. શેખ હસીના ભારતમાં જ રહેશે કે કોઇ અન્ય દેશમાં શરણ લેશે તેને લઇને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી.

વિદેશ મંત્રીએ શું કહ્યું હતું?

સર્વદળીય બેઠક બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે, શેખ હસીના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. બાંગ્લાદેશની સ્થિતિ પર અમારી નજર છે. બાંગ્લાદેશમાં 12 હજારથી 13 હજાર ભારતીયો રહે છે. ભારતીયોને અત્યારે પરત લાવવાની જરૂર નથી.

આ સમાચાર શેર કરો