Video: રાજસ્થાનની સાંભર સરોવર બની ફ્લેમિંગોનું સફળ બ્રીડિંગ ગ્રાઉન્ડ!

સોર્સ: gstv

સાંભર સરોવરમાં જોવા મળી કુદરતી ક્રાંતિ

ગુજરાતના કચ્છ બાદ હવે રાજસ્થાનની સાંભર સરોવર બની ફ્લેમિંગોનું સફળ બ્રીડિંગ ગ્રાઉન્ડ!

જાહેરાત

ફ્લેમિંગો પક્ષીઓએ પોતાની ચાંચ વડે માટીમાંથી બનાવી આકર્ષક કુંજ અને કોલોનીઓ!

રાજસ્થાનના ઐતિહાસિક અને કુદરતી ધરોહર સમાન સાંભર સરોવર ખાતેથી વન્યજીવ જગત માટે એક અત્યંત આનંદદાયક અને ગર્વ લેવા જેવો અહેવાલ સામે આવ્યો છે. આ વર્ષે સાંભર સરોવર પ્રવાસી અને યાયાવર પક્ષીઓ માટે માત્ર આશ્રયસ્થાન જ નહીં, પરંતુ એક આદર્શ નેસ્ટિંગ અને બ્રીડિંગ સાઈટ તરીકે વિકસિત થઈ છે. પક્ષી નિષ્ણાત ગૌરવ દધીચના જણાવ્યા અનુસાર, આ વર્ષે અનુકૂળ વરસાદી વાતાવરણ અને લાંબા સમય સુધી પાણી ટકી રહેવાને કારણે વિદેશી મહેમાન ગણાતા ફ્લેમિંગો પક્ષીઓએ અહીં મોટા પ્રમાણમાં માળા બનાવીને સફળ પ્રજનન કર્યું છે. સાંભર સરોવરના શાકંભરી વિસ્તારમાં આશરે ચારથી પાંચ કિલોમીટરના ઘેરાવામાં ફ્લેમિંગોએ અંદાજે ૫૩ જેટલી અલગ-અલગ કોલોનીઓ બનાવી છે. લેસર અને ગ્રેડર એમ બંને પ્રજાતિના ફ્લેમિંગોએ પોતાની ચાંચની મદદથી માટીમાંથી શંકુ આકારના અદ્ભુત માળા બનાવ્યા છે. પ્રજનન પ્રક્રિયા બાદ અંદાજે ૨૮ થી ૩૧ દિવસના સેવન પછી ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા છે અને આ વર્ષે સરોવરના આ વિસ્તારમાં ૧૫૦થી વધુ નવા બચ્ચાઓને સફળતાપૂર્વક ડોક્યુમેન્ટ કરવામાં આવ્યા છે.

સાંભર સરોવરના પાંચ કિલોમીટરના વિસ્તારમાં ફ્લેમિંગોના કુદરતી પ્રજનનથી ગૌરવવંતી ક્ષણ!

345થી વધુ ઘર સાથે સાંભર સરોવર બની વિદેશી મહેમાનો માટે આદર્શ આશ્રયસ્થાન!

પક્ષીશાસ્ત્રીઓના મતે, આ સમગ્ર ઘટના ભારત માટે અત્યંત ગર્વની વાત છે કારણ કે અગાઉ ફ્લેમિંગોની સફળ બ્રીડિંગ માત્ર ગુજરાતના ગ્રેટર રણ ઓફ કચ્છમાં જ જોવા મળતી હતી, અને હવે દેશમાં સાંભર સરોવર એ બીજું એવું મહત્વનું સ્થાન બન્યું છે જ્યાં આ પક્ષીઓએ સફળ બ્રીડિંગ કર્યું છે. રાજસ્થાનની મહત્વપૂર્ણ રામસર સાઈટ ગણાતી સાંભર સરોવરમાં અત્યાર સુધીમાં ૩૪૫થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ નોંધાઈ ચૂકી છે, જે આ ક્ષેત્રની જૈવ વિવિધતાની સમૃદ્ધિ દર્શાવે છે. વરસાદના પ્રમાણમાં થોડો ઘટાડો થવા છતાં અને સરોવરના મોટાભાગના ભાગમાં પાણી સૂકાયા બાદ પણ સાંભર સરોવરના બેકવોટર વિસ્તારમાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો હજુ પણ હાજર છે અને શિયાળાની શરૂઆત સાથે તેમની સંખ્યામાં વધુ વધારો થવાની પૂરી સંભાવના છે. વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ દુર્લભ પક્ષીઓની સુરક્ષા અને તેમના કુદરતી આવાસની જાળવણી માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી આ અદ્ભુત કુદરતી સૌંદર્ય અક્ષુણ્ણ રહે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત