મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશમાં બન્યો સૌથી પહેલો 'રેડ કાર્પેટ' હાઇવે, જાણો તે ક્યાં અને શા માટે તૈયાર કરાયો

ભારતમાં "હાઇવેમેન" તરીકે જાણીતા કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વધુ એ

દેશમાં બન્યો સૌથી પહેલો 'રેડ કાર્પેટ' હાઇવે, જાણો તે ક્યાં અને શા માટે તૈયાર કરાયો

ભારતમાં "હાઇવેમેન" તરીકે જાણીતા કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વધુ એક અનોખો પ્રયોગ કર્યો છે. તમે વિચારી રહ્યા હશો કે હાઇવે પર આ "રેડ કાર્પેટ" શા માટે પાથરવામાં આવ્યું હશે. તો તેની પાછળ ખાસ કારણ છે. ચાલો અમે તમને જણાવીએ.

પહેલો "રેડ ટેબલ ટોપ" રસ્તો બનાવવામાં આવ્યો

આ પ્રયોગ મધ્યપ્રદેશમાં હાથ ધરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 45 પર જબલપુર-ભોપાલ રૂટ પર પહેલો "રેડ ટેબલ ટોપ" રસ્તો બનાવવામાં આવ્યો છે. સાગર દમોહ અને નરસિંહપુર જિલ્લાઓ વચ્ચેના ત્રિજ્યામાં સ્થિત નૌરાદેહી વન્યજીવન અભયારણ્યમાં જબલપુર-ભોપાલ રૂટનો 11.96 કિલોમીટર વિસ્તારમાં એક અનોખા 2 અને 4 લેન હાઇવનો પુનઃવિકાસ ખાસ રીતે કરવામાં આવ્યો છે.

આ 'રેડ કાર્પેટ' હાઇવે બનાવવા પાછળ છે ખાસ કારણ

અહીં બે કિલોમીટરના સંવેદનશીલ ખીણ વિસ્તારમાં, ભારતમાં પહેલીવાર 5 મિલિમીટર રેડ ટેબલટોપ બ્લોક માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પહેલી નજરે રેડ કાર્પેટ જેવું લાગશે. આ પ્રયોગ વન્યજીવન સંરક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

 'રેડ ટેબલ ટોપ'નો ઉપયોગ કરાયો

NHIAના અધિકારી અનુસાર ભોપાલ-જબલપુર સેક્શન પર ફોર-લેનનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે તેમને જણાયું કે અહીં વન્યજીવોના રક્ષણ માટે અને લોકો ઓછી ગતિએ મુસાફરી કરે તે સુનિશ્ચિત કરવા માટે શું કરવું જોઈએ. પછી આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, 'રેડ ટેબલ ટોપ'નો ઉપયોગ કરાયો. આ બે કિલોમીટર વિસ્તારમાં સ્થાપિત કરાયો છે. તફાવત એ છે કે રેડ બ્લોક્સની ઉંચાઈ કાળી સપાટી કરતા 5 મીમી ઊંચી છે.

આ પણ છે તેની ખાસ વિશેષતા

આ વાહનચાલકોનું ધ્યાન ખેંચે છે અને લાલ સપાટીની ઉંચાઈ વધુ હોવાથી વાહનોમાં હળવો જર્ક થાય છે. આનાથી લોકો ગાડીની સ્પીડ ઘટાડે છે. આ જંગલી પ્રાણીઓને અકસ્માતોનો શિકાર બનતા બચાવે છે, તેની સાથે અચાનક વળાંકો આવતા હોવા છતાં આ વિસ્તારમાંથી પસાર થતા લોકો અકસ્માતોથી બચી શકે છે.

જંગલથી ઘેરાયેલા હાઇવેના આ ભાગ પર ચેઇન લિંક ફેન્સિંગ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય ટ્રાફિક અને પ્રાણીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આધુનિક સ્પીડ ડિટેક્ટર અને ખાસ એનિમલ અંડરપાસ સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો