યુપીમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 2.05 કરોડ મતદારોના નામ કપાયા ; જાણો કેવી રીતે ચેક કરશો તમારું નામ
ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ફાઈનલ મતદાર યાદી જાહેર કરી દ

ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ફાઈનલ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ નવી મતદાર યાદીમાં મોટા પાયે ફેરફારો જોવા મળી રહ્યા છે. આજે યુપી ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી મુજબ આશરે 2.05 કરોડ મતદારોના નામ યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે.
મતદારોની સંખ્યામાં મોટો ફેરફાર
યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા શરૂ થયા પહેલા પ્રદેશમાં કુલ 15 કરોડ 44 લાખ મતદારો હતા. આજે જાહેર થયેલી ફાઈનલ લિસ્ટમાં આ સંખ્યા ઘટીને 13 કરોડ 40 લાખ (13,39,84,792) થઈ છે.
નોંધનીય છે કે જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં ૨.૮૯ કરોડ નામ કપાયા હતા, જેમાંથી ઘણાના મેપિંગ બાકી હતા અને અનેકને નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, જાન્યુઆરીના ડ્રાફ્ટ લિસ્ટની સરખામણીએ આજના ફાઈનલ લિસ્ટમાં આશરે ૮૪ લાખ નવા મતદારોનો ઉમેરો પણ થયો છે.
નામ કપાઈ ગયું હોય તો શું કરવું?
જો તમારું નામ વોટર લિસ્ટમાંથી કપાઈ ગયું હોય, તો ગભરાવાની જરૂર નથી. મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, મતદારો સૌથી પહેલા પોતાના જિલ્લાના કલેક્ટરને ફરિયાદ કરી શકે છે. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી શકાય છે. જે લોકો SIR પ્રક્રિયામાં સામેલ નથી થઈ શક્યા, તેઓ હજુ પણ ફોર્મ-૬ ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.
વોટર લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરશો?
તમે ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી તમારું નામ ચેક કરી શકો છો. તેની રીત નીચે મુજબ છે:
1. સૌ પ્રથમ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ ' https://voters.eci.gov.in અથવા https://electoralsearch.in પર જાઓ.
2. ત્યાં 'Electoral Roll' સેક્શનમાં જઈને રાજ્ય તરીકે 'Uttar Pradesh' પસંદ કરો.
3. 'Roll Type' માં 'Final Roll 2026' અથવા 'SIR Final Roll 2026' વિકલ્પ પસંદ કરો.
4. તમારો જિલ્લો (જેમ કે લખનૌ, કાનપુર, વારાણસી વગેરે) પસંદ કરો.
5. ત્યારબાદ તમારો વિધાનસભા વિસ્તાર અને બૂથ નંબર પસંદ કરો.
6. તમારું નામ, પિતા/પતિનું નામ અને ઉંમર જેવી વિગતો ભરીને સર્ચ કરો.
7. તમારી સામે PDF ફોર્મેટમાં લિસ્ટ આવી જશે, જેને તમે ડાઉનલોડ કરીને તમારું નામ શોધી શકો છો.
આ ઉપરાંત મતદારો ceouttarpradesh.nic.in પર જઈને પણ વિગતો મેળવી શકે છે.







