ખેડૂતોના વીજળી બીલ માફ, મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળશેઃ સરકારે ખોલ્યો ખજાનો
દેશમાં ખેડૂતો અને મહિલાઓને રિઝવવા તેમજ સામાન્ય નાગરિકોના ફાયદા માટે

દેશમાં ખેડૂતો અને મહિલાઓને રિઝવવા તેમજ સામાન્ય નાગરિકોના ફાયદા માટે વિવિધ યોજનાઓ બજેટમાં રજૂ કરાઈ છે. ખેડૂતોનું વીજબીલ માફ કરવા ઉપરાંત મહિલાઓને દર મહિને તેમના એકાઉન્ટમાં 1,500 રૂપિયા મળશે. આ સાથે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.. જી... હાં.. આ સાચું વાંચ્યું છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની એનડીએ સરકારે ચૂંટણી વર્ષમાં રજૂ કરેલા બજેટમાં મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી અજિતપવારે બજેટસત્રમાં મધ્યપ્રદેશની લાડલી બહેન યોજનાની જેમ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સ્કીમનો ફાયદો 21થી 60 વર્ષની ઉંમરની તમામ મહિલાઓને મળશે. આ સ્કીમનું નામ 'મુખ્યમંત્રી માઝી લડકી બહેન યોજના' રાખવામાં આવ્યું છે. આ સ્કિમ 1 જુલાઈથી જ લાગુ કરી દેવામાં આવશે. અર્થાત આવતા મહિનાથી મહારાષ્ટ્રમાં તમામ મહિલઓને 1,500 રૂપિયા મળવાના ચાલુ થઈ જશે.
એકનાથ શિંદે સરકારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા આ નિર્ણય લીધો છે. એવામાં આ યોજનાને ચૂંટણીલક્ષી પણ બતાવાઈ રહી છે. રાજ્યમાં વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે. બજેટ સત્રમાં ચૂંટણીલક્ષી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, 5 સભ્યોના પરિવારને દર વર્ષે ત્રણ ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. આ યોજનાને મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના નામ આપવામાં આવ્યું છે. એકનાથ શિંદે સરકારે ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ કરતાં બાકી વીજળી બિલ માફ કરવાની જાહેરાત કરી છે. તેનાથી 44 લાખ ખેડૂતોને ફાયદો થશે.
આ યોજનાઓ સિવાય રાજ્યમાં વેટમાં ઘટાડો થવાને કારણે પેટ્રોલના ભાવમાં 65 પૈસાનો ઘટાડો થયો છે. આ સિવાય ડીઝલમાં પણ 2.07 રૂપિયાનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવ ઘટવાથી ખેડૂતોને પણ ફાયદો થશે. રાજ્ય સરકારના આ બજેટમાંથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આગામી થોડા મહિનામાં ચૂંટણીઓ યોજાવાની હોવાથી કેટલીક કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવશે. એકનાથ શિંદે સરકારે ચૂંટણી વર્ષમાં સરકારી તિજોરી લોકો માટે ખોલી નાંખી છે.






