મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘અગ્નિ મેન’ તરીકે ઓળખાતા ડૉ. રામ નારાયણ અગ્રવાલનું નિધન, DRDOએ શ્રદ્ધાંજલી પાઠવી

અગ્નિ મિસાઈલના જનક અને દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ.રામ નારાયણ અગ્રવાલનું 84 વર્ષની વયે નિધન થયું છે

‘અગ્નિ મેન’ તરીકે ઓળખાતા ડૉ. રામ નારાયણ અગ્રવાલનું નિધન, DRDOએ શ્રદ્ધાંજલી પાઠવી

અગ્નિ મિસાઈલના જનક અને દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ.રામ નારાયણ અગ્રવાલનું 84 વર્ષની વયે નિધન થયું છે. ડીઆરડીઓના અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ અગ્નિ મિસાઈલના પ્રથમ પ્રોગ્રામના ડાયરેક્ટર હતા. તેઓ ‘અગ્નિ અગ્રવાલ’ અને ‘અગ્નિ મેન’ તરીકે જાણીતા હતા. અગ્રવાલ ASLના ડાયરેક્ટર પદેથી નિવૃત્ત થયા હતા. તેમણે બે દાયકા સુધી અગ્નિ મિસાઈલ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવ્યું હતું. તેમનું પદ્મશ્રી અને પદ્મભૂષણથી પણ સન્માન કરવામાં આવ્યું હતું.

22 વર્ષ સુધી અગ્નિ મિશનના ડિરેક્ટર તરીકે કામ કર્યું

અગ્રવાલ અને તેમની ટીમે વર્ષ 1989ના મે મહિનામાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે અગ્નિ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તે એક ટૂંકાગાળામાં દુશ્મનને ભેદ કરવા માટે બનાવેલી બેલેસ્ટિક મિસાઈલ હતી. જેને ઓડિશાના કિનારે બાલાસોર ખાતેની ટેસ્ટ રેન્જથી લોન્ચ કરાઈ હતી. ડૉ. અગ્રવાલે 1983થી 2005 સુધી અગ્નિ મિશનના પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

પૂર્વ ડીઆરડીઓ પ્રમુખે શોક વ્યક્ત કર્યો

DRDOના વરિષ્ઠ વર્તમાન અને પૂર્વ વૈજ્ઞાનિકોએ ડૉ. રામ નારાયણ અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ ડીઆરડીઓ પ્રમુખ અને મિસાઈલ વૈજ્ઞાનિક ડૉ.જી.સતીશ રેડ્ડીએ કહ્યું કે, ભારતે એક લિજેન્ડ ખોયા છે. તેમણે લોન્ગ રેન્જની મિસાઈલ વિકસાવવામાં અને તેની લોન્ચ સુવિધા ઉભી કરવામાં ઘણી મદદ કરી હતી.

આ સમાચાર શેર કરો