મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મોદી સરકારના કેન્દ્રીય મંત્રી 'બેટી બચાવો,બેટી પઢાવો' પણ ના લખી શક્યા, જુઓ શું લખ્યું

પીએમ મોદીની નવી ઈનિંગમાં કેબિનેટમાં સ્થાન મેળવનારા કેન્દ્રીય રાજ્યમ

VIDEO: મોદી સરકારના કેન્દ્રીય મંત્રી 'બેટી બચાવો,બેટી પઢાવો' પણ ના લખી શક્યા, જુઓ શું લખ્યું

પીએમ મોદીની નવી ઈનિંગમાં કેબિનેટમાં સ્થાન મેળવનારા કેન્દ્રીય રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુર કંઈક અલગ જ હરકતથી ખૂબ જ ચર્ચામાં છે. મધ્યપ્રદેશની ધાર લોકસભા સીટથી સાંસદ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન મેળવનાર સાવિત્રી ઠાકુર શાળાના એક કાર્યક્રમમાં હિન્દી વાક્ય બરાબર લખી શક્યા નહોતા. સ્કૂલની ઈવેન્ટમાં  'બેટી બચાવો,બેટી પઢાવો' સૂત્ર લખવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે 'બેઢી પઢાવો બચ્ચાવો' લખી નાખ્યું. જે બાદ સામાન્ય લોકો અને કોંગ્રેસના નેતાઓ મોદી સરકારના આ 12 પાસ મંત્રીના શિક્ષણને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુર ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવા ગયા હતા. આ ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત સરકારી શાળાના કાર્યક્રમમાં શિક્ષા રથને ફ્લેગ ઓફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને રથના બેનર (ફ્લેક્સ) પર 'બેટી બચાવો, બેટી પઢાવો' ના નારા લખીને રથનો પ્રારંભ કરવાનું કહેવાયું હતું. પરંતુ મંત્રી સ્લોગન યોગ્ય રીતે લખી શક્યા નહોતા. અને  'બેઢી પઢાવો બચાવો' લખી નાખ્યું હતું. 

એ સમયે હાજર લોકોએ તેમના દ્વારા લખેલા સ્લોગનના ફોટા અને વીડિયો બનાવ્યા હતા. જે હાલ વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસ આ વાયરલ ફોટો અને વીડિયોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહી છે. સાવિત્રી ઠાકુરના ખોટા સ્લોગન લખેલા ફોટો- વીડિયો વાયરલ થતાં સામાન્ય લોકો સહિત વિપક્ષના નેતાઓ આડે હાથ લઈ રહ્યા છે. 

એમપીના વિપક્ષ નેતા અને ગાંધવાનીના ધારાસભ્ય ઉમંગ સિંઘરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'આ કેવું નેતૃત્વ છે...? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સરકારમાં માત્ર #રબર સ્ટેમ્પ મંત્રીઓ જોઈએ છે? જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ તે અંગે કોઈ નિર્ધારિત માપદંડ નથી, પરંતુ ઓછામાં ઓછું તેની પાસે સાક્ષરતા હોવી જોઈએ. #ધારના #MP અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રી ઠાકુર બે શબ્દો પણ લખી શકતા નથી. તેમની અજ્ઞાનતા કેન્દ્ર સરકારને કેવું નેતૃત્વ આપશે તેની માત્ર કલ્પના જ કરી શકાય. મતદારોએ પણ આવા જનપ્રતિનિધિને પસંદ કરતા પહેલા વિચારવું જરૂરી હતું. મોદી સરકારને પણ ભણેલા ગણેલા નેતાઓ નથી જોઈતા કે જે સવાલો ઉઠાવે.

આ સમાચાર શેર કરો