'વોટ ચોરી'ના આરોપોથી ઘેરાયેલું ચૂંટણી પંચ આવતી કાલે કરશે પ્રેસ કોન્ફરન્સ
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જાહેરાત કરી છે કે તે 17 ઓગસ્ટ રવિવારના રોજ બપોરે 3 વાગ્યે નવી દિલ્હીના રાષ્ટ

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જાહેરાત કરી છે કે તે 17 ઓગસ્ટ રવિવારના રોજ બપોરે 3 વાગ્યે નવી દિલ્હીના રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ માહિતી ચૂંટણીપંચ ના ડાયરેક્ટર જનરલ (મીડિયા) દ્વારા આપવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ મહત્વપૂર્ણ જાહેરાતોની સાથે વોટર સંબંધિત અપડેટ્સ શેર કરી શકે છે. ચૂંટણીપંચની આ પ્રેસ કોન્ફરન્સ આગામી ચૂંટણીઓ અને મતદાર યાદી સુધારણા સાથે સંબંધિત હોઈ શકે છે.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ ચૂંટણીપંચ ઉપર 'વોટ ચોરી'નો ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે આવા ગંભીર આરોપોથી ઘેરાયેલું ભારતીય ચૂંટણી પંચ હવે આ આરોપો પર પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. હકીકતમાં આ પ્રેસ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે વિપક્ષી પક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં કથિત હેરાફેરી અને 'વોટ ચોરી'નો આરોપ લગાવીને પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.
'મત ચોરી'ના આરોપોનો ક્રમ
છેલ્લા કેટલાક મહિનાઓથી ખાસ કરીને 2024ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ પછી વિરોધી પક્ષોએ મતદાર યાદીમાં વ્યાપક ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, કર્ણાટકની બેંગલુરુ મધ્ય લોકસભા બેઠકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારનું વિશ્લેષણ કરીને લગભગ 1,00,250 મતોની ચોરી થયાનો આરોપ લગાવ્યો છે. તેમણે મતદાર યાદીમાં ડુપ્લિકેટ મતદારો, નકલી સરનામાં અને એક જ સરનામા હેઠળ અનેક નામ ધરાવતા મતદારો સહિતના ગંભીર આરોપ લગાવ્યા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જો આવા ગોટાળા ન થયા હોત, તો કોંગ્રેસ કર્ણાટકમાં 16 લોકસભા બેઠકો જીતી શકી હોત, પરંતુ તેને ફક્ત 9 બેઠકો મળી.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણીમાં મતદાર યાદીમાં અનિયમિતતાઓનો પણ દાવો કર્યો હતો, જેમાં પાંચ મહિનામાં અસામાન્ય રીતે લાખો મતદારો ઉમેરાયા હોવાનું કહ્યું હતું. ચૂંટણી પંચ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો પણ લગાવી માંગ કરી કે, ચૂંટણીપંચ ડિજિટલ અને મશીન-રીડેબલ મતદાતા યાદી જાહેર કરે.
જોકે પ્રેસ કોન્ફરન્સના એજન્ડા વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે, ચૂંટણી પંચ કોંગ્રેસ પક્ષ દ્વારા લગાવવામાં આવેલા 'વોટ ચોરી'ના આરોપોનો જવાબ આપી શકે છે.
ચૂંટણી પંચનો જવાબ
કોંગ્રેસ નેતા દ્વારા લગાવવામાં આવેલા આરોપોના જવાબમાં ચૂંટણી પંચ પહેલાથી જ ઘણીવાર પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે. 11 ઓગસ્ટે ચૂંટણી પંચે રાહુલ ગાંધી અને વિપક્ષોના દાવાઓને ફગાવી દીધા હતા, તેમને "તથ્યપૂર્ણ રીતે ખોટા અને ભ્રામક" ગણાવ્યા હતા. પંચે સોશિયલ મીડિયા પર એક ફેક્ટ-ચેક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાર યાદીની ચોકસાઈ જરૂરી છે. જે માટે પારદર્શક પ્રક્રિયાનું પાલન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારીઓને ટાંકીને દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી દ્વારા ઉલ્લેખિત કેટલાક મતદારો (જેમ કે આદિત્ય શ્રીવાસ્તવ અને વિશાલ સિંહ) ના નામ ફક્ત કર્ણાટકની મતદાર યાદીમાં જ જોવા મળ્યા હતા. પરંતુ ઉત્તર પ્રદેશ કે અન્ય રાજ્યોમાં નહીં, જેવો તેમણે આરોપ લગાવ્યો હતો.
ચૂંટણી પંચે કારણો સાથે કાઢી નાખવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો પ્રકાશિત કરવી જોઈએ: કોર્ટ
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં પારદર્શિતા વધારવા માટે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો પ્રકાશિત કરવા અને તેમને શામેલ ન કરવાના કારણો પણ આપવાનો ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે બિહારમાં મતદાર યાદીના SIR કરવાના ચૂંટણી પંચના 24 જૂનના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. જે લોકો મૃત્યુ પામ્યા અથવા સ્થળાંતર કરી ચૂક્યા છે અથવા અન્ય મતવિસ્તારમાં ગયા હોય તેમના નામની યાદી પંચાયત સ્તરની કચેરી અને જિલ્લા સ્તરના ચૂંટણી અધિકારીઓની કચેરીમાં કારણો સાથે પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બેન્ચે ટીવી - ન્યૂઝ ચેનલો અને રેડિયો ઉપરાંત સ્થાનિક અને અંગ્રેજી સમચાર પત્રો સહિતના ન્યૂઝ પેપરમાં દ્વારા વ્યાપક પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો જેથી લોકોને તે સ્થાનો વિશે માહિતી મળી શકે જ્યાં યાદી ઉપલબ્ધ હશે.








