એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, ફડણવીસ-અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને સોપ્યો પત્ર
મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે. મહારાષ્ટ્રના મુખ્યમ

મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? તેના પર ચર્ચા ચાલુ છે. આ વચ્ચે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું સોપ્યું હતું.
એકનાથ શિંદેએ આપ્યું મુખ્યમંત્રી પદેથી રાજીનામું
એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યાં હતા.
ભાજપે એકલા હાથે 132 બેઠક જીતી
મહારાષ્ટ્રમાં ભાજપે સૌથી મોટી જીત મેળવી છે. 288 વિધાનસભા બેઠકમાંથી ભાજપે એકલા જ 132 બેઠક પર જીત મેળવી છે. એવામાં સાથી પક્ષ મુખ્યમંત્રી પદને લઇને મૌન છે પરંતુ તેમના ધારાસભ્ય માંગ કરી રહ્યાં છે કે મુખ્યમંત્રી તેમની પાર્ટીનો જ બને. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ કરી રહ્યાં છે તો શિવસેના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી એકનાથ શિંદેના મુખ્યમંત્રી રહેતા જ લડવામાં આવી હતી માટે તેમને જ મુખ્યમંત્રી બનાવવા જોઇએ.
ફડણવીસને જ સુકાનનો ભાજપનો સંકેત
આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની જીત માટે મહત્ત્વની ભૂમિકા ભજવનારા નેતા વિનય સહસ્ત્રબુદ્ધેએ એક નિવેદનમાં કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જનાદેશનું સન્માન કરાશે. મહારાષ્ટ્રની પ્રજાનો જનાદેશ ભાજપની તરફેણમાં છે. એટલે દેવેન્દ્ર ફડણવીસને નેતૃત્વ સોંપાયું છે. અમે કોઈ જ પક્ષના દબાણમાં નથી. ભાજપ કોઈના દબાણમાં આવે એમ નથી. ભાજપનું મોવડી મંડળ શિવસેના અને એનસીપી (અજિત જૂથ) સાથે મળીને એક મહાયુતિ સરકારની જાહેરાત કરશે.






