Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED makes serious allegations against Mamata Banerjee

'તપાસમાં અવરોધ ઉભો કરી પુરાવા લઈ ગયા', EDએ મમતા બેનર્જી પર લગાવ્યા ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
'તપાસમાં અવરોધ ઉભો કરી પુરાવા લઈ ગયા', EDએ મમતા બેનર્જી પર લગાવ્યા ગંભીર આરોપ
સોર્સ : google

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2026 પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACના દફતર અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્થળ પર પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો.

App Store

શું છે EDનો ગંભીર આરોપ?

હવે આ મામલે ED સત્તાવાર નિવેદન જાહેર કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. તપાસ એજન્સીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'જ્યારે દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશાળ પોલીસ કાફલા સાથે અચાનક જ IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ત્યાંથી તપાસ માટે અત્યંત જરૂરી એવા મહત્ત્વના દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે લઈ ગયા છે. એટલું જ નહીં, ત્યારબાદ મમતા બેનર્જીએ IPACના દફતરમાં પણ જબરદસ્તી પ્રવેશ કર્યો હતો, જ્યાં પણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.'

કેમ પડ્યા દરોડા? (કોલસા કૌભાંડ અને હવાલા કનેક્શન)

EDની તપાસ મુજબ, આ દરોડા કોલસાની હેરાફેરી અને તેના દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે કોલસા કૌભાંડનો મોટો હિસ્સો 'શાકંભરી ગ્રુપ ઓફ કંપનીઝ'ને વેચવામાં આવ્યો હતો અને તેમાંથી મળેલી રકમ હવાલા માર્ગે ફેરવવામાં આવી હતી. એજન્સીના રિપોર્ટ મુજબ, આ કૌભાંડમાં સામેલ એક શંકાસ્પદ વ્યક્તિએ પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACને કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા મળ્યા છે. આ મની ટ્રેલ અને હવાલા કનેક્શનના કથિત જોડાણની ઊંડી તપાસ કરવા માટે જ ED પશ્ચિમ બંગાળના 6 મહત્ત્વના શહેરો અને દિલ્હીના 4 સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અને ED વચ્ચે ઘર્ષણ

દરોડા દરમિયાન કોલકાતા પોલીસ અને EDના અધિકારીઓ વચ્ચે પણ તણાવ જોવા મળ્યો હતો. સાઉથ કોલકાતાના ડેપ્યુટી કમિશનર અને ખુદ પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને EDના અધિકારીઓ પાસે તેમની ઓળખ અને સર્ચ વોરન્ટની માંગણી કરી હતી.

રાજકીય માહોલ ગરમાયો

તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ 2026ની વિધાનસભા ચૂંટણી માટે IPACને હાયર કરી છે, ત્યારે ચૂંટણી પહેલા જ આ કાર્યવાહીને કારણે બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ED આ મામલે કોર્ટ અથવા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવી છે.