મેળામાં ચાઉમીન ખાવું પડ્યું ભારે! 118 બાળકો સહિત 130 લોકોની તબિયત લથડી

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં એક ગામના મેળામાં ચાઉમીન ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકાએ 100થી વધુ બાળકો સહિત કુલ 130 લોકોની તબિયત લથડી હતી. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ દર્દીઓની હાલત સ્થિર છે.
ચાઉમીન ખાધા બાદ અનેક લોકોને પેટમાં અસહ્ય દુખ્યું
આ ઘટના શનિવારે સાંજે કિરનાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હિરી ગામના મેળામાં બની હતી. મેળામાં ચાઉમીન ખાધા બાદ અનેક લોકોએ પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરી હતી. બાલાઘાટના કલેક્ટર આદિત્ય સિંહે આ અંગે માહિતી આપી હતી.
118 બાળકોને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા
તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં કુલ 118 બાળકોને કિરનાપુરની સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 45 બાળકોને વધુ સારવાર માટે બાલાઘાટની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 73 બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.
પૂરતી તબીબી સારવાર આપવાની સૂચના
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો ઉપરાંત 12 પુખ્ત વયના લોકોને પણ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કલેક્ટર આદિત્ય સિંહે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓની તબિયત અંગે માહિતી મેળવી હતી. તેમણે ડોક્ટરોને તમામ દર્દીઓને યોગ્ય અને પૂરતી તબીબી સારવાર આપવાની સૂચના પણ આપી હતી.
મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. શત્રુઘ્ન સિંહ દહિયાએ જણાવ્યું હતું કે, બાળરોગ વિભાગમાં દાખલ કરાયેલા તમામ 45 બાળકો અને મેડિકલ વોર્ડમાં સારવાર લઈ રહેલા 12 પુખ્ત વયના દર્દીઓની હાલત સ્થિર છે.












