બે રૂપિયામાં સારવાર આપનાર ડૉ. ગોપાલનું નિધન, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
ડૉ. એ.કે. રાયરુ ગોપાલનું રવિવારે કેરળના કન્નૂરમાં વૃદ્ધાવસ્થાન

ડૉ. એ.કે. રાયરુ ગોપાલનું રવિવારે કેરળના કન્નૂરમાં વૃદ્ધાવસ્થાને લગતા રોગોને કારણે નિધન થયું. તેઓ છેલ્લા પાંચ દાયકાઓથી તેમની ક્લિનિકમાં હજારો ગરીબ દર્દીઓની માત્ર બે રૂપિયામાં સારવાર કરતા હતા. ડૉ. ગોપાલના પરિવાર સાથે સંબંધિત સૂત્રોએ આ માહિતી આપી. ગોપાલની ઉંમર 80 વર્ષ હતી અને તેમની પાછળ પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. કેટલાક લોકો તેમને 'બે રૂપિયાના ડૉક્ટર સાહેબ' કહેતા, જ્યારે અન્ય લોકો તેમને 'જનતાના ડૉક્ટર' કહેતા. તેમની ક્લિનિક સવારે ચાર વાગ્યે શરૂ થતી અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલતી. દરરોજ અનેક દર્દીઓ આવતા. તેમની ફી પણ માત્ર બે રૂપિયા હતી. તેમની સેવાભાવના એવી હતી કે જે દર્દીઓ પાસે દવાઓ ખરીદવાના પૈસા ન હોય તેમને પણ તેઓ દવાઓ આપતા.
પોતાના ઘરમાં બનાવ્યું હતું ક્લિનિક
ડૉ. ગોપાલ તેમના નિવાસસ્થાન ‘લક્ષ્મી’માં બનાવેલી ક્લિનિકમાં દરરોજ દર્દીઓની તપાસ કરતા હતા. બગડતા સ્વાસ્થ્યને કારણે, તેમણે ક્લિનિકનો સમય સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી કર્યો. મે 2024માં વૃદ્ધાવસ્થાને લગતી સમસ્યાઓને કારણે તેમણે ક્લિનિક બંધ કરવી પડી. આનાથી વિસ્તારના ગરીબ દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સૂત્રોએ જણાવ્યું કે ડૉક્ટરની અંતિમ વિધિ બપોરે પય્યમ્બલમમાં કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને ‘જનતાના ડૉક્ટર’ તરીકે જાણીતા ડૉ. રાયરુ ગોપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમના સંદેશમાં તેમણે કહ્યું કે અડધી સદી સુધી તેમણે તેમની સલાહ સેવા માટે માત્ર બે રૂપિયા લીધા. લોકોની સેવા કરવાની તેમની ઇચ્છા ગરીબ દર્દીઓ માટે મોટી રાહત હતી.






