Indian Railways: ભારતીય રેલવેએ 2.5 કરોડ IRCTC યુઝર આઈડી ડીએક્ટીવેટ કર્યા, શું તમારું ID પણ બ્લોક થઈ ગયું છે? હમણાં જ તપાસો!

Indian Railways: ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે ભારતીય રેલવેએ 2.5 કરોડ આઇઆરસીટીસી આઇડીને નિષ્ક્રિય કરી દીધા છે. તત્કાલ ટિકિટ માટે આધાર ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જ્યારે ભીડ વધશે ત્યારે ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે અને વેઇટલિસ્ટેડ મુસાફરોને વિકલ્પ યોજના હેઠળ કન્ફર્મ સીટ આપવામાં આવશે.
પણ તમને ક્યારેય એ વિચાર આવ્યો છે કે, આંખના પલકારામાં ટ્રેનની ટિકિટનું બુકિંગ ખતમ કેમ થઇ જાય છે? તો એનો જવાબ હવે મળી ગયો છે. હકીકતમાં, ભારતીય રેલવેએ 2.5 કરોડથી વધુ આઇઆરસીટીસી યુઝર આઈડી નિષ્ક્રિય કરી દીધા છે. આ કાર્યવાહી શંકાસ્પદ બુકિંગ પેટર્ન અને યુઝર્સની પ્રવૃત્તિઓના આધારે કરવામાં આવી હતી, જેને એડવાન્સ્ડ ડેટા એનાલિટિક્સ દ્વારા ઓળખવામાં આવી હતી.
રેલવેને ટિકિટનું બુકિંગ ખૂલતા વેંત જ ટિકિટો ખતમ થઇ જતા હોવાની સતત ફરિયાદો મળ્યા કરતી હતી. સાંસદ એ.ડી. સિંહે સંસદમાં આ મુદ્દા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સરકારે સંસદમાં આ પ્રશ્નોના લેખિત જવાબ આપતા કહ્યું કે ટિકિટિંગ સિસ્ટમમાં પારદર્શિતા અને ન્યાયીતા જાળવવા માટે સરકારે આ પગલું ભર્યું છે.
આખુ વર્ષ ટિકિટની એક સરખી માગ રહેતી નથી
રેલવેએ એમ પણ કહ્યું કે ટ્રેનોમાં સીટોની માંગ આખા વર્ષ દરમિયાન એકસરખી હોતી નથી. ક્યારેક ઘણી ભીડ હોય છે અને ક્યારેક ઓછી ભીડ હોય છે. ખાસ કરીને, લોકપ્રિય રૂટ પર અને સમયસર દોડતી ટ્રેનો ઝડપથી ભરાઈ જાય છે, જ્યારે અન્ય ટ્રેનોમાં સીટો હોય છે.
ઓનલાઈન ટિકિટ બુકિંગનો ટ્રેન્ડ વધ્યો
આજે, લગભગ 89% ટિકિટ ઓનલાઈન બુક થઈ રહી છે. બાકીની ટિકિટો રેલ્વે સ્ટેશનો પરના PRS કાઉન્ટર પરથી ખરીદવામાં આવે છે. આ કાઉન્ટરો પર ડિજિટલ પેમેન્ટ સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે જેથી વ્યવહારો પારદર્શક બને.
તત્કાલ ટિકિટ પર નવા નિયમો
રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં પણ ફેરફાર કર્યા છે. હવે 1 જુલાઈ, 2025થી, ફક્ત આધાર ચકાસાયેલ વપરાશકર્તાઓ જ IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી તત્કાલ ટિકિટ બુક કરી શકશે. એજન્ટોને તત્કાલ બુકિંગ ખુલતા પહેલા 30 મિનિટ સુધી બુકિંગ કરવાની મંજૂરી નથી.
ભીડ વધશે તો સ્પેશિયલ ટ્રેનો મૂકાશે
રેલ્વે કહે છે કે ટ્રેનોની વેઇટિંગ લિસ્ટ પર નજર રાખવામાં આવે છે. જ્યારે પણ કોઈ ટ્રેનમાં સીટોની માંગ વધે છે, ત્યારે રેલ્વે ખાસ ટ્રેનો ચલાવે છે અથવા હાલની ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરે છે જેથી વધુ મુસાફરોને મુસાફરી કરવાની તક મળી શકે.
વેઇટિંગવાળા માટે વિકલ્પ યોજના
જો કોઈને તેની પસંદગીની ટ્રેનમાં સીટ ન મળે, તો રેલવેની 'વિકલ્પ' યોજના હેઠળ, તેને બીજી કોઈ ટ્રેનમાં કન્ફર્મ સીટ આપી શકાય છે. આ ઉપરાંત, મુસાફરો અપગ્રેડેશન યોજના દ્વારા કોઈપણ વધારાના ચાર્જ વિના ઉચ્ચ વર્ગમાં સીટ પણ મેળવી શકે છે.

