IPO: NSDLનો આઇપીઓ NSE, SBI અને IDBI માટે નોટ છાપવાનું મશીન બન્યોઃ તેમણે કરેલા રોકાણ પર 39900 ટકાનું જબરદસ્ત વળતર!

IPO: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)ના આગામી ₹4,000 કરોડના IPOએ અત્યાર સુધીની સૌથી મોટી નફાની તક લાવી છે. ખાસ વાત એ છે કે આમાં, મોટા સંસ્થાકીય રોકાણકારોને તેમના રોકાણની રકમ પર કરોડોનું જબરદસ્ત વળતર મળવાનું છે. જો આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એનએસડીએલના કેટલાક શેર ફક્ત ₹ 2માં ખરીદ્યા હતા, જે હવે ₹ 800ના ભાવે વેચાશે. એટલે કે, એસબીઆઇનું નાનું રોકાણ હવે કરોડોમાં ફેરવાઈ જશે - લગભગ 39,900%નું અધધધ વળતર મળશે!
આ આઇપીઓમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એનએસડીએલના 40 લાખ શેર વેચી રહી છે, જે તેણે માત્ર ₹2 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. ₹800ના ઉપલા ભાવ બેન્ડ પર, એસબીઆઇ ₹320 કરોડ કમાવવા જઈ રહી છે, જ્યારે તેનું મૂળ રોકાણ ફક્ત ₹80 લાખ હતું, જે બેંકને 39,900% વળતર આપશે.
આઇડીબીઆઇને પણ 39,900% વળતર મળશે
આઇડીબીઆઇ બેંકે એનએસડીએલના 2.22 કરોડ શેર માત્ર ₹2 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. હવે આ શેર વેચીને તેને લગભગ ₹1,776 કરોડ મળશે, જ્યારે આઇડીબીઆઇએ શરૂઆતમાં ફક્ત ₹4.44 કરોડનું રોકાણ કર્યું હતું. એટલે કે, બેંકના નાણાંમાં 39,900% નો વધારો થયો.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસે 5 લાખ શેર છે, જે તેણે ₹5.20 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. હવે તે શેર વેચીને, બેંકને ₹40 કરોડ મળશે, જે તેના ₹26 લાખના રોકાણ કરતાં ઘણું વધારે છે એટલે કે લગભગ 15,000% વળતર મળશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ એનએસડીએલ માં 24% હિસ્સો સરેરાશ ₹12.28 પ્રતિ શેરના ભાવે ખરીદ્યો હતો. હવે એનએસઇ 1.8 કરોડ શેર વેચીને ₹1,418 કરોડનો નફો કરી રહ્યું છે, એટલે કે 6,415% વળતર મળશે.
30 જુલાઇથી 1 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે આઇપીઓ
એનએસડીએલનો આ આઇપીઓ 30 જુલાઈથી ખુલશે અને 1 ઓગસ્ટના રોજ બંધ થશે. આમાં, જૂના શેરધારકો તેમના શેર વેચી રહ્યા છે અને લાંબા સમયથી જમા કરેલા પૈસા પર નફો કમાઈ રહ્યા છે. આ વેચાણ ફક્ત નફો કમાવવા માટે જ નહીં, પરંતુ કેટલાક નિયમોને કારણે પણ કરવામાં આવી રહ્યું છે.
એનએસડીએલએ તેના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) માં જણાવ્યું છે કે બે મુખ્ય શેરધારકો આઇડીબીઆઇ બેંક અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) કંપનીના કુલ શેરના 26.10% અને 24% હિસ્સો ધરાવે છે. આ શેર નિયમો કરતાં વધુ છે, કારણ કે સેબીના નિયમો અનુસાર, કંપનીમાં મહત્તમ 15% હિસ્સો રાખી શકાય છે. તેથી, તેમણે તેમના શેર ઘટાડવા પડશે. આ નિયમને કારણે, આ મોટા રોકાણકારો હવે તેમના શેર વેચીને સારો નફો કમાઈ રહ્યા છે.

