કેજરીવાલના PA વિભવની શોધમાં દિલ્હી પોલીસની ડઝનબંધ ટીમો, CMના ઘરે પણ જઈ શકે છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. સ્વાતિએ ગુરુવારે સાંજે દિલ્હી પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું. હવે દિલ્હી પોલીસની ટીમે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની શોધ શરૂ કરી છે. વિભવ કુમાર પર સાંસદ સ્વાતિ માલીવાલ પર મારપીટ કરવાનો આરોપ છે.
ક્રાઈમ બ્રાન્ચથી લઈને ઈન્ટેલિજન્સ યુનિટની ટીમો શોધખોળ કરી રહી છે.
દિલ્હી પોલીસની એક ડઝન ટીમ વિભવ કુમારને શોધી રહી છે. વિશેષ સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને ઈન્ટેલિજન્સ યુનિટની ટીમો પણ વિભવ કુમારને શોધી રહી છે. સ્વાતિ માલીવાલે પોતાના પર થયેલા હુમલા અંગે દિલ્હી પોલીસને 7 પાનાની ફરિયાદ આપી છે. આ ફરિયાદમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે કેવી રીતે વિભવ કુમારે તેની સાથે મારપીટ કરી હતી.
કેજરીવાલની પણ પૂછપરછ થઈ શકે છે
સ્વાતિ પર હુમલો થયો ત્યારે અરવિંદ કેજરીવાલ પણ ઘરની અંદર હાજર હતા. તેથી દિલ્હી પોલીસ તેમની પણ પૂછપરછ કરી શકે છે. પોલીસ સીએમ આવાસ પર હાજર સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓના નિવેદન પણ રેકોર્ડ કરશે. દિલ્હી પોલીસ સીએમ આવાસની અંદર લાગેલા સીસીટીવી પણ ચેક કરશે. સ્વાતિ માલીવાલના આરોપો બાદ અરવિંદ કેજરીવાલે મૌન જાળવી રાખ્યું છે.
વિભવ કુમાર પર મોટા આરોપો
દિલ્હી પોલીસને આપેલા નિવેદનમાં સ્વાતિ માલીવાલે કહ્યું છે કે તે CM આવાસના ડ્રોઈંગ રૂમમાં ગઈ હતી અને ત્યાં રાહ જોઈ રહી હતી. દરમિયાન વિભવ ત્યાં આવ્યો અને ગાળો બોલવા લાગ્યો. તેણે કોઈ કારણ વગર મને થપ્પડ મારી. મેં બૂમો પાડવાનું શરુ કર્યું, અને કહ્યું મને છોડો, જવા દો. પરંતુ તે સતત માર મારી રહ્યો હતો અને હિન્દીમાં બીભત્સ ગાળો બોલવાનું ચાલુ રાખ્યું. તેણે ધમકી આપી હતી અને કહ્યું હતું કે હું તને પતાવી દઈશ. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો કે વિભવ કુમારે તેને છાતી પર, ચહેરા પર, પેટ પર અને શરીરના નીચેના ભાગમાં પણ માર માર્યો. તેણે કહ્યું કે, 'હું પીરિયડ્સમાં છું, મને બહુ પીડા થઇ રહી છે. મને જવા દો'. પછી હું ત્યાંથી ભાગી બહાર આવી અને પોલીસને ફોન કર્યો.






