મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શું રાહુલ ગાંધી પાસે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? અમિત શાહનો પલટવાર

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખો જેમજેમ નજીક આવી રહી છે. ભાજપ અને કોં

શું રાહુલ ગાંધી પાસે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની સત્તા છે? અમિત શાહનો પલટવાર

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખો જેમજેમ નજીક આવી રહી છે.  ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યાં છે અને પ્રજાને પોતાની તરફ ખેંચવા પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન અંગે વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું, 'રાહુલ ગાંધી કહે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે. શું તેમની પાસે આવું કરવાની સત્તા છે? મે સંસદમાં કહ્યું છે, કે ચૂંટણી બાદ યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે.'

વિધાનસભા ચૂંટણીને પગલે અમિત શાહ જમ્મુ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન જમ્મુમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે, 'કલમ 370 હટ્યા બાદ પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો વોટ આપવા જઈ રહ્યાં છે. હું પોતાના કાર્યકર્તાઓને કહેવા ઈચ્છું છું કે તેઓ નક્કી કરે કે વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય. આ ચૂંટણી ઐતિહાસિક છે. પહેલી વખત જમ્મુ-કાશ્મીરના લોકો એક જ ધ્વજના છાયડામાં વોટ આપવા જઈ રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં કોઈ અલગ વડાપ્રધાન હશે નહીં. ભાજપે જ આતંકીઓને વીણી વીણીને માર્યા અને વર્ષો પછી અમરનાથ યાત્રા મુક્ત વાતાવરણમાં યોજાઈ છે.'

રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં શું કહ્યું હતું?

રાહુલ ગાંધીએ 4 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં કહ્યું હતું કે '1947 બાદ પહેલી વખત એક રાજ્ય પાસેથી તેના અધિકાર છીનવાઈ ગયા છે. માત્ર કોંગ્રેસ પાર્ટી અને નેશનલ કોન્ફરન્સની જ નહીં, દરેક નાગરિકની જવાબદારી છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ભાજપ-સંઘ કંઈ પણ કહે, અમે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમનો રાજ્યનો દરજ્જો પાછો આપવા જઈ રહ્યાં છીએ.'

રાહુલે આગળ કહ્યું હતું, 'તમારું માત્ર સ્ટેટ છીનવાઈ ગયું નથી, તમારા અધિકાર, તમારું ધન પણ છીનવાઈ રહ્યું છે. 1947માં અમે રાજાઓને હટાવીને લોકતાંત્રિક સરકાર બનાવી. આજે જમ્મુ-કાશ્મીરમાં રાજા બેઠા છે. તેમનું નામ એલજી છે. ત્યાં એલજી 21મી સદીના રાજા છે. તેઓ જે ઈચ્છે છે, તે કરે છે. ત્યાંના લોકોને ન તો રોજગાર મળે છે અને ના કોઈ અન્ય લાભ. સરકાર આ બધું બહારના લોકોને આપે છે.' આ તમામ વાતના અમિત શાહે જવાબ આપતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા. 

18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં યોજાશે. જ્યારે પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે.

આ સમાચાર શેર કરો