Video: પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ પર વિવાદ

સોર્સ: gstv

પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ પર વિવાદ

નિયમ ૨૦ ટકાનો અને મિશ્રણ ૩૦ ટકાથી વધુ મળતાં મચી ચકચાર!

જાહેરાત

કન્નુરના પેટ્રોલ પમ્પ પર વિભાગની ટીમનું ઓચિંતું સઘન ચેકિંગ!

કેરળના કન્નુર જિલ્લામાંથી વાહનચાલકો અને સામાન્ય જનતા માટે અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. પડોશી રાજ્યોમાં પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવતું હોવાના અહેવાલો અને ફરિયાદો સામે આવ્યા બાદ કન્નુર જિલ્લા સિવિલ સપ્લાય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. વિભાગની વિવિધ ટુકડીઓ દ્વારા જિલ્લાભરના પેટ્રોલ પમ્પ પર સરપ્રાઈઝ ઈન્સપેક્શન એટલે કે ઓચિંતી તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે.સરકારી નિયમો અને પર્યાવરણીય નીતિઓ અનુસાર પેટ્રોલમાં મહત્તમ ૨૦ ટકા સુધી જ ઇથેનોલનું મિશ્રણ કરવાની કાનૂની મંજૂરી આપવામાં આવેલી છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલતા વિવાદમાં અને તપાસ દરમિયાન કેરળ તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલમાં ૨૦ નહીં પરંતુ ૩૦થી ૩૧ ટકા સુધી ઇથેનોલ ભળેલું હોવાનું સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ પ્રકારે વધુ પડતાં ઇથેનોલના ઉપયોગથી વાહનોના એન્જિન ખરાબ થવાની અને માઈલેજ ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.

વધારે પડતાં ઇથેનોલના મિશ્રણથી એન્જિન બગડવાનો વાહનચાલકોમાં ભય!

આ મુદ્દે હવે દેશનું રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક વરિષ્ઠ નેતાઓએ પેટ્રોલમાં વધુ પડતા ઇથેનોલના મિશ્રણ મામલે કેન્દ્રની મોદી સરકાર સામે તીખા પ્રહારો કર્યા છે. વિપક્ષોનો આરોપ છે કે સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ નાખીને આ પ્રકારે ભેળસેળ ચલાવી લેવામાં આવી રહી છે. વિપક્ષી નેતાઓએ આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવા અને જવાબદાર એજન્સીઓ તથા ઓઇલ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની આકરી માંગ કરી છે.કન્નુરમાં સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓએ આકસ્મિક તપાસ દરમિયાન પેટ્રોલના સેમ્પલ લઈને તેને પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈપણ પેટ્રોલ પમ્પ પર નિયમ કરતાં વધુ ઇથેનોલનું મિશ્રણ મળશે અથવા ગુણવત્તામાં ભેડસેડ જણાશે તો તેમના લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કડક ઝુંબેશથી પમ્પ સંચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

પેટ્રોલમાં વધુ પડતા ઇથેનોલના મિશ્રણથી વાહનચાલકો પોતાના વાહનોની સુરક્ષાને લઈને ભારે ચિંતામાં મુકાયા છે. સામાન્ય નાગરિકોની માંગ છે કે સરકારે આ મામલે સત્વરે પારદર્શક સ્પષ્ટતા કરવી જોઈએ અને ગુણવત્તા નિયંત્રણ સુનિશ્ચિત કરવું જોઈએ. કન્નુરમાં શરૂ થયેલી આ ઓચિંતી તપાસ બાદ હવે સમગ્ર દેશમાં ઇથેનોલ મિશ્રણની મર્યાદા અને તેની ચકાસણીનો પ્રશ્ન ચર્ચાના કેન્દ્રસ્થાને આવી ગયો છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત