LOKSABHA: રાજકોટમાં કડવા સામે લેઉવા પાટીદારનો જામશે જંગ, રૂપાલા સામે ધાનાણી લડી શકે છે ચૂંટણી
છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક ચર્ચાનો વિષય બની છે. પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા થ

છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક ચર્ચાનો વિષય બની છે. પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહેલા વિરોધ વચ્ચે હવે રાજકોટમાં બાજી મારવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે. કોંગ્રેસના કદાવર નેતા એવા પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા માટે મનાવી લીધા છે. જેની ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ થયેલા વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ ભાજપ પર કાવ્ય વ્યંગ કરીને આડેહાથ લીધી હતી. જણાવી દઈએ કે પરેશ ધાનાણી અને પરશોત્તમ રૂપાલા બંને અમરેલીના હોવા છતાં રાજકોટમાં આયાતી ઉમેદવાર તરીકે સામ સામે ચૂંટણી લડશે. અગાઉ સવારે કોંગ્રેસના ઘણાં કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવવા ગયા હતા. જેમની વાત પરેશ ધાનાણીએ સ્વીકારી લેતાં આગામી સમયમાં રાજકોટ બેઠક પર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થશે. હવે રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.
કોંગ્રેસના નેતા લલિત કગથરાની આગેવાનીમાં રાજકોટ કોંગ્રેસના 150થી વધુ સભ્યોનું પ્રતિનિધિ મંડળ તેમને મનાવવા માટે પહોંચ્યું હતું. લાંબા સમય સુધી થયેલી ચર્ચા બાદ પરેશ ધાનાણી માની ગયા હતા. પરેશ ધાનાણીએ સ્વાભિમાન યુદ્ધ હેસટેગ સાથે કાવ્ય પંક્તિ ટ્વિટ કરી હતી કે, ''જો હવે હથિયાર હેઠા નહીં મુકાવાય, તો નવીન મહાભારતના રણમેદાનમાં ગીતાનું જ્ઞાન લેવા હું તૈયાર છું.''
લલિત કગથરાએ જણાવ્યું કે, જો પરશોત્તમ રૂપાલાની ટિકિટ બદલે તો પરેશ ધાનાણી નહીં લડે. પરશોત્તમ રૂપાલા સામે હાલમાં રાજકોટ સહિત ગુજરાત ભરમાં જે વિરોધનું વાતાવરણ બન્યું છે તેનો લાભ લેવા માટે અમે તેમને લડવા મનાવી લીધા છે. જો પરશોત્તમ રૂપાલાને બદલવાની વાત આવે તો અમે સામેથી તમને કહીશું કે પરેશભાઇ તમારે લડવાનું નથી.
જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ કોંગ્રેસે હજુ 4 બેઠકો પર તેમના ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર કર્યા નથી. ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચાર બેઠક પર અને વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કરી શકી નથી. ગુજરાતમાં ચાર બેઠક રાજકોટ, અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠકને લઇ કોંગ્રેસ મુરતિયા અંગે અસમંજસમાં જોવા મળી રહી છે.








