'Gen-Z આંદોલનથી પ્રેરિત AI સમિટમાં યુથ કોંગ્રેસનું પ્રદર્શન', દિલ્હી પોલીસે આપ્યું મોટું નિવેદન
રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ' સમિટ દરમિયાન યુ

રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ' સમિટ દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા શર્ટલેસ વિરોધ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસે કોર્ટમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આરોપીઓના રિમાન્ડની માંગ કરતી વખતે પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનની પદ્ધતિ પડોશી દેશ નેપાળમાં Gen-Z યુવા ચળવળોથી પ્રેરિત હતી અને સમગ્ર ઘટનાની બારિકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે પ્રદર્શનમાં શામેલ 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. પોલીસનું કહેવું છે કે વિરોધ પ્રદર્શનની યોજના, તેની પાછળ શામેલ લોકો અને સંભવિત કાવતરાઓની તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું બતાવાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે પોલીસ તપાસ મુજબ ભારત મંડપમમાં ચાલી રહેલી 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ' સમિટ દરમિયાન કેટલાક યુવકોએ અચાનક શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન શરૂ કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો. ક્રાર્યક્રમમાં વિદેશી પ્રતિનિધિ, ઉદ્યોગ જગતના વરિષ્ઠ અધિકારીઓ અને ટેકનોલોજીના જાણકારો હાજર હતા. જેનાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ બની ગયો હતો.
કોંગ્રેસે ગણાવ્યું શાંતિપુર્ણ પ્રદર્શન
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના લગભગ 10 કાર્યકરો શુક્રવારે ભારત મંડપમમાં પ્રવેશ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. દિલ્હી પોલીસે આ મામલે યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરી હતી અને શનિવારે સવારે તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીઓના વકીલે પોલીસના દાવાઓનો વિરોધ કરતા કહ્યું કે, પ્રદર્શન શાંતિપૂર્ણ હતું અને કોઈના પર હુમલો કરવામાં આવ્યો નહોતો. ઉલટું, પ્રદર્શનકારીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી.
પ્રદર્શન મામલે ભાજપ-કોંગ્રેસ સામસામે
આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખું રાજકીય યુદ્ધ છેડાયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક ભાજપના નેતાઓએ યુથ કોંગ્રેસના આ કૃત્યને 'રાષ્ટ્રવિરોધી' ગણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મહેમાનો સામે ભારતની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપની યુવા પાંખ BJYM એ નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભિવંડીમાં રાહુલ ગાંધીને કાળા વાવટા બતાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે આ પ્રદર્શનને લોકશાહી અધિકાર ગણાવીને યુથ કોંગ્રેસના કાર્યકરોનો બચાવ કર્યો હતો.








