'સારું છે કે તમે પાણી પર દંડ ન લગાવ્યો', દિલ્હી HCની પોલીસને ફટકાર, કોચિંગ સેન્ટર દુર્ઘટનાની તપાસ CBIને સોંપી
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓના

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓના મોતને લઈને પોલીસને સખત ઠપકો આપ્યો હતો. હાઈકોર્ટે આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચ જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને ફટકાર લગાવતા તેમના વકીલને કહ્યું કે, સારું છે કે તમે ભોંયરામાં વરસાદી પાણી ઘૂસવા બદલ ચલણ જારી નથી કર્યું.' કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે.
દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીઓના મોત મામલે પોલીસ દ્વારા એક SUV ડ્રાઈવરની ધરપકડની આલોચના કરી હતી. એના ઉપર વરસાદી પાણીથી ભરેલા રસ્તા પર પૂરઝડપે વાહન ચલાવવાનો આરોપ હતો. આ વાહન પસાર થતાં પાણીનું પ્રેસર થવાથી દરવાજા તૂટી ગયા હતા. જેના કારણે બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા.
પોલીસ દ્વારા તેની વિરુદ્ધ બદ ઈરાદાથી હત્યાનો આરોપ હટાવ્યા બાદ ડ્રાઈવર મનુજ કથુરિયાને ગુરુવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો જ્યારે કોર્ટે પૂછ્યું કે, શું તેમને ખબર છે કે, બિલ્ડિંગ પ્લાનને મંજૂરી કોણે આપી, તો પોલીસે કહ્યું, તપાસ ચાલુ છે.
જવાબ સાંભળીને દિલ્હી હાઈકોર્ટે કહ્યું, 'તમે એવી રીતે વાત કરો કે જાણે તમારી પાસે કોઈ સત્તા નથી. તમે પોલીસ છો. તમને બધું જ મળશે. તમે MCD ઓફિસમાં જઈને ફાઇલો જપ્ત કરી શકો છો. શું તમને એ સમજાવવું પડશે કે આ કેવી રીતે કરવાનું છે. શું તમને લાગે છે કે કોઈ ગુનેગાર તમારી સામે આવીને પોતાનો ગુનો કબૂલ કરશે?'








