Video: ઝારખંડના રામગઢમાં ભયાનક માર્ગ અકસ્માત: ઝડપી કાર ભારે વાહન સાથે અથડાતા ૫ મહિલા અને ૨ બાળકો સહિત ૧૩ લોકોના કરુણ મોત થયા

ઝારખંડના રામગઢ જિલ્લામાં અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો. રાંચી-પટના હાઈવે પર કુજ્જુ વિસ્તારમાં પેઈન્કી ગામ નજીક ઝડપી વાહન ભારે વાહન સાથે ધડાકાભેર અથડાતાં પાંચ મહિલાઓ અને બે બાળકો સહિત ૧૩ લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. આ તમામ મૃતકો બિહારના નાલંદા જિલ્લાના રહેવાસી હતા અને તેઓ રાજરપ્પા છિન્નમસ્તા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.
આ ભયાનક અકસ્માત રાંચી-પટના નેશનલ હાઈવે-૩૩ પર કુજ્જુ વિસ્તારમાં પેઈન્કી ગામ પાસે થયો હતો. બિહારના નાલંદા જિલ્લાના ૧૪ રહેવાસીઓ વાહનમાં રાજરપ્પા છિન્નમસ્તા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર ભારે વાહન સાથે અથડાઈ હતી. રામગઢના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર આલોક રંજન અને પોલીસ અધિક્ષક મુકેશ કુમાર લુનાયતે જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. રામગઢ સદર હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અનિલ કુમારના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ તમામ ૧૪ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ૧૩ લોકોને મૃત જાહેર કર્યા હતા. હાલ સારવાર માટે એક વ્યક્તિને ICUમાં દાખલ કરવામાં આવી છે. તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રામગઢ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પરિવારજનોનો સંપર્ક કરીને ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અકસ્માત બાદ ભારે વાહનનો ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. રામગઢના SP મુકેશ કુમાર લુનાયતે જણાવ્યું કે પોલીસ તે ફરાર થયેલા ભારે વાહનને શોધવાનો સઘન પ્રયાસ કરી રહી છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યપાલે આ ઘટનાને અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ગણાવી શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તથા ઈજાગ્રસ્ત વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી હેમંત સોરેને પણ ૧૩ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને જણાવ્યું હતું કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
ધાર્મિક યાત્રાએ નીકળેલા બિહારના નાલંદાના પરિવારો માટે આ મુસાફરી અંતિમ સાબિત થઈ છે, જેમાં ૧૩ લોકોએ જીવ ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ હોસ્પિટલના ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા એકમાત્ર ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવાર ચાલી રહી છે, ત્યારે પોલીસ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ભારે વાહનને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
















