બિહારમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલમાં કરોડોની લૂંટ! 8 હથિયારધારી લૂંટારુઓએ Senco Gold શોરૂમ સાફ કરી નાખ્યો

બિહારમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલમાં કરોડોની લૂંટ! 8 હથિયારધારી લૂંટારુઓએ Senco Gold શોરૂમ સાફ કરી નાખ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બિહારના બેતિયા શહેરમાં બુધવારે ધોળા દિવસે લૂંટારુઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવીને પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. કાલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના સુપ્રિયા સિનેમા રોડ પર આવેલા 'સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ' (Senco Gold & Diamond) જ્વેલરી શોરૂમમાં 6 થી 8 હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા હતા અને કર્મચારીઓને બંધક બનાવીને સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

બંદૂકની અણીએ કર્મચારીઓને બનાવ્યા બંધક

જાહેરાત

મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે 6 થી 8 અજાણ્યા શખ્સો હથિયારો સાથે શોરૂમમાં ઘૂસી આવ્યા હતા. અંદર પ્રવેશતાની સાથે જ તેમણે કર્મચારીઓને બંદૂક બતાવીને ડરાવ્યા હતા અને બંધક બનાવી લીધા હતા. અચાનક થયેલા આ હુમલાથી શોરૂમમાં હાજર સ્ટાફને સંભાળવાની કોઈ તક મળી ન હતી. ત્યારબાદ લૂંટારુઓએ શોરૂમમાં રાખેલા કિંમતી સોના-હીરાના આભૂષણો અને રોકડ રકમ બેગમાં ભરવાનું શરૂ કર્યું હતું. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, બદમાશો શોરૂમમાંથી લગભગ તમામ દાગીના અને કેશ સમેટીને લઈ ગયા છે, જેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.

વિરોધ કરનાર કર્મચારી પર કર્યો હુમલો

લૂંટની આ ઘટના દરમિયાન જ્યારે એક કર્મચારીએ હિંમત દાખવીને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે લૂંટારુઓએ તેને બંદૂકના બટ વડે માર મારીને ઘાયલ કરી દીધો હતો. આ ઘટનાને કારણે શોરૂમના કર્મચારીઓ અને આસપાસના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

DIG અને SSP ઘટનાસ્થળે પહોંચ્યા, CCTV તપાસ તેજ

ધોળા દિવસે ભરચક વિસ્તારમાં આવેલા શોરૂમમાં કરોડોની લૂંટ થતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ચંપારણ રેન્જના DIG હર કિશોર રાય અને SSP કુમાર ગૌતમ ભારે પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ શોરૂમનું નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓના નિવેદન નોંધ્યા હતા. હાલ પોલીસ શોરૂમ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી રહી છે જેથી લૂંટારુઓની ઓળખ થઈ શકે અને તેઓ કયા રસ્તેથી આવ્યા હતા અને કઈ દિશામાં ભાગ્યા છે તે જાણી શકાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત