Video: "બિહારમાં એક પણ સીટ ન જીતી શક્યા..." MLC ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસ સાંસદે જ ખોલી દીધી પોતાની પાર્ટીની પોલ!

બિહાર વિધાન પરિષદ (MLC) ચૂંટણીમાં પાર્ટીના કારમા પરાજયને લઈને કોંગ્રેસના સાસારામથી સાંસદ મનોજ કુમારે પોતાની જ પાર્ટીના નેતૃત્વ અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નવી દિલ્હીમાં નિવેદન આપતાં તેમણે ખુલ્લા મને સ્વીકાર્યું કે પાર્ટી જમીની સ્તરે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને તેમાં મોટા સુધારાની તાતી જરૂર છે.
સાંસદ મનોજ કુમારે જણાવ્યું કે, "બિહારમાં અમે વિધાન પરિષદની એક પણ બેઠક જીતી શક્યા નથી. પાર્ટીમાં સ્પષ્ટપણે મોટી ખામીઓ રહી ગઈ છે જેને સુધારવી અત્યંત જરૂરી છે. અમે સંઘર્ષના માર્ગે ચોક્કસ છીએ, પરંતુ સાથે સાથે આંતરિક સુધારાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ચૂંટણીમાં ધાર્યા પરિણામો ન મળ્યા તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી ચૂંટણીઓમાં આ જ ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે પાર્ટીએ ક્યાં ખામી રહી ગઈ અને શું મુદ્દા હતા તેના પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવો પડશે.
સંગઠનના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે મોટો આક્ષેપ કર્યો કે, "પાર્ટીના પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા અમને કોઈ પણ જવાબદારી સોંપવામાં આવી નહોતી. MLC ચૂંટણી માટે અમને કોઈપણ પ્રકારનું કાર્ય ન સોંપવું એ સંગઠનની ખૂબ મોટી ભૂલ હતી."











