ધોળા દિવસે કરોડોની લૂંટ: 9 હથિયારધારી બદમાશોએ જ્વેલરી શોરૂમમાં મચાવ્યો આતંક

ધોળા દિવસે કરોડોની લૂંટ: 9 હથિયારધારી બદમાશોએ જ્વેલરી શોરૂમમાં મચાવ્યો આતંક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બિહારના બેતિયામાં બુધવારે (18 નવેમ્બર, 2026) એક જ્વેલરી શોરૂમમાં લૂંટની મોટી ઘટના સામે આવી છે. શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં સામેલ સુપ્રિયા સિનેમા રોડ પર આવેલા સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમમાં 8થી 9 બદમાશો ઘૂસી ગયા હતા. હથિયારોના જોરે કર્મચારીઓને ડરાવીને બદમાશોએ બેગમાં ઘરેણાં ભર્યાં હતાં અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લૂંટારુઓની કરતૂત કેદ થઈ છે. વીડિયોમાં જોવા મળે છે કે બદમાશો હથિયારો બતાવીને લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. 8થી 9 બદમાશો કોઈપણ જાતના ડર વિના આરામથી શોરૂમમાં લૂંટ ચલાવતા જોવા મળે છે.

જાહેરાત

કર્મચારીઓ સાથે મારપીટ, ગાર્ડનું માથું ફોડી નાખ્યું

મળતી માહિતી મુજબ, હથિયારધારી બદમાશોએ શોરૂમમાં પ્રવેશતાની સાથે જ કર્મચારીઓને પોતાના કબજામાં લઈ લીધા હતા. આ દરમિયાન લૂંટનો વિરોધ કરનારા કર્મચારીઓ સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, બદમાશોએ પિસ્તોલના બટ વડે ગાર્ડના માથા પર હુમલો કર્યો હતો, જેના કારણે તેનું માથું ફૂટી ગયું હતું. ત્યારબાદ લૂંટારુઓએ શોરૂમમાં રાખેલા સોના, ચાંદી અને હીરાના ઘરેણાં લૂંટી લીધા હતા.

પૂર્વ મંત્રી રેણુ દેવીના નિવાસસ્થાન નજીક બની ઘટના

આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ વાત એ છે કે લૂંટની આ ઘટના બિહાર સરકારનાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રેણુ દેવીના નિવાસસ્થાન નજીક બની છે. ઘટનાની જાણ થતાં જ DIGના નેતૃત્વમાં પોલીસ અધિક્ષક (SP), DSP સહિત જિલ્લાના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને CCTV ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કેટલા રૂપિયાની લૂંટ થઈ તે હજુ સ્પષ્ટ નથી

હાલમાં શોરૂમમાંથી કેટલા પ્રમાણમાં અને કેટલી કિંમતનાં ઘરેણાંની લૂંટ થઈ છે, તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. શોરૂમના સ્ટોકની ચકાસણી કર્યા બાદ જ લૂંટની વાસ્તવિક કિંમત જાણી શકાશે. જોકે, પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાના ઘરેણાંની લૂંટ થઈ હોવાની આશંકા છે. ધોળા દિવસે બનેલી લૂંટની આ મોટી ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત