સીઆર પાટીલથી શિવરાજ સિંહ સુધી, મોદી 3.0 કેબિનેટમાં પ્રથમ વખત આ નેતાઓની એન્ટ્રી
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે, તેમની સાથે કેટલાક સાંસદોએ પણ મંત્રી પદના શ

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે, તેમની સાથે કેટલાક સાંસદોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા તેમાંથી કેટલાક નેતા એવા છે જે મોદીના પ્રથમ અને બીજા કાર્યકાળમાં પણ કેબિનેટમાં સામેલ થયા હતા. જ્યારે આ વખતે કેટલાક એવા ચહેરા પણ છે જેમને પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યા છે. મોદી 3.0માં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સીઆર પાટીલ: સીઆર પાટીલ પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ છે અને નવસારી બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે. સતત ચોથી વખત ચૂંટણી જીતી છે. 2019માં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે પણ સીઆર પાટીલ 7,73,551 મતથી ચૂંટણી જીત્યા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને 2,57,514 મત મળ્યા હતા. જ્યારે પાટીલને 10,31,065 વોટ મળ્યા હતા.
શિવરાજ સિંહ ચૌહાણ: શિવરાજ સિંહ ચૌહાણે પ્રથમ વખત કેબિનેટના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ પહેલા તે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તે આ વખતે મધ્ય પ્રદેશના વિદિશાથી લોકસભા ચૂંટણી જીત્યા છે.
મનોહરલાલ ખટ્ટર: મનોહરલાલ ખટ્ટર પણ પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તે 9 વર્ષ સુધી હરિયાણાના મુખ્યમંત્રી રહ્યાં છે. ખટ્ટર હરિયાણાના કરનાલથી પ્રથમ વખત સાંસદ ચૂંટાયા છે.
એચડી કુમારસ્વામી: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર છે અને વોક્કાલિગા સમાજમાંથી આવે છે. ત્રીજી વખત લોકસભા સાંસદ બન્યા છે. NDAના સહયોગી જનતા દળ સેક્યુલરના નેતા છે.
જેપી નડ્ડા: જેપી નડ્ડાની ફરી એક વખત મોદી કેબિનેટમાં વાપસી થઇ છે. તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 2014માં મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતા. હિમાચલ સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહ્યાં છે. જોકે, 2019ની મોદી કેબિનેટમાં તેમને જગ્યા મળી નહતી.
લલન સિંહ: લલન સિંહ NDAના સહયોગી પક્ષ જનતા દળ યૂનાઇટેડના નેતા છે. JDUના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને નીતિશ કુમારની નજીક ગણાય છે. તે મુંગેરથી સાંસદ ચૂંટાયા છે અને પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે.
કે રામમોહન નાયડુ: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમથી સાંસદ છે. પૂર્વ મંત્રી યેરેન નાયડુના પુત્ર છે.આ વખતે સૌથી યુવા કેબિનેટ મંત્રી છે, તેમની ઉંમર 36 વર્ષ છે.
જુએલ ઓરામ: જુએલ ઓરામ ઓરિસ્સાના સુંદરગઢથી સાંસદ ચૂંટાયા છે. અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. છઠ્ઠી વખત સાંસદ ચૂંટાયા છે. મોટા આદિવાસી ચહેરા તરીકે ઓળખાય છે.
જીતનરામ માંઝી: જીતનરામ માંઝી પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા છે. તે NDA ગઠબંધનના સહયોગી હિન્દુસ્તાની અવામ મોર્ચાના નેતા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે. દલિત સમાજમાંથી આવે છે અને પ્રથમ વખત સાંસદ બન્યા છે.
ચિરાગ પાસવાન: બિહારના હાજીપુરના સાંસદ છે. NDAના સહયોગી દળ લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસના નેતા છે. પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.








