મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

CPI(M)ના નેતા સીતારામ યેચુરીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

CPI (M)ના નેતા સીતારામ યેચુરીનું નિધન થયું છે. સીતારામ યેચુરી લાંબા સમયથી બીમાર હતા.સીતારામ યેચુરીને બીમારી બાદ દિલ્હી AI

CPI(M)ના નેતા સીતારામ યેચુરીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

CPI (M)ના નેતા સીતારામ યેચુરીનું નિધન થયું છે. સીતારામ યેચુરી લાંબા સમયથી બીમાર હતા.સીતારામ યેચુરીને બીમારી બાદ દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સીએ સીતારામ યેચુરીના નિધનની પૃષ્ટી કરી છે.

સીતારામ યેચુરીના પાર્થિવ દેહને તેમના પરિવારે શિક્ષણ અને શોધ ઉદ્દેશ્યો માટે AIIMS નવી દિલ્હીને દાન કરી છે.

PM મોદી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને સીતારામ યેચુરીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ કહ્યું કે, "તેઓ ડાબેરીઓના અગ્રણી હતા અને તેમણે એક અસરકારક સંસદસભ્ય તરીકે પણ ઓળખ બનાવી હતી. "

રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું

સીતારામ યેચુરીના નિધાન પર શોક વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરતા લખ્યુ કે, સીતારામ યેચુરીજી મારા મિત્ર હતા. ભારતના વિચારના રક્ષક અને આપણા દેશની ઊંડી સમજ રાખનારા હતા. મને અમારી લાંબી ચર્ચાઓ યાદ આવશે. દુ:ખના આ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના."

સીતારામ યેચુરી ભારતીય રાજકારણનો જાણીતો ચહેરો હતા. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે. રાજ્યસભાના સાંસદ હતા ત્યારે યેચુરીને 2016માં શ્રેષ્ઠ સંસદસભ્યનો એવોર્ડ મળ્યો હતો. સીતારામ યેચુરી તમિલ બ્રાહ્મણ પરિવારના છે. તેઓ લાંબા સમયથી પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા, જે એક રીતે પાર્ટી અનુસાર પાર્ટીના વડાનું પદ છે. સીતારામ યેચુરી 19 એપ્રિલ 2015ના રોજ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.

સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ 1952ના રોજ ચેન્નાઈમાં થયો હતો. 1969માં તેલંગાણામાં આંદોલન બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. ડીયુની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યા પછી તેમણે જેએનયુમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યું અને પછી પીએચડીમાં પ્રવેશ મેળવ્યો. અહીં 1974માં તેઓ સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયામાં જોડાયા અને વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી. જો કે, 1977માં કટોકટી દરમિયાન ધરપકડ થયા બાદ તેઓ JNUમાંથી પીએચડી પૂર્ણ કરી શક્યા ન હતા. JNUને ડાબેરીવાદનો ગઢ બનાવવામાં સીતારામ યેચુરીનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો