મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અબજો ડોલરની નેટવર્થ ધરાવતા સાંડેસરા બંધુઓ સાથે સેટલમેન્ટની કોર્ટે આપી મંજૂરી

મોટા આર્થિક ગોટાળામાં ફસાયેલા અને નાઈજિરીયામાં અબજોનો વેપાર ક

અબજો ડોલરની નેટવર્થ ધરાવતા સાંડેસરા બંધુઓ સાથે સેટલમેન્ટની કોર્ટે આપી મંજૂરી

મોટા આર્થિક ગોટાળામાં ફસાયેલા અને નાઈજિરીયામાં અબજોનો વેપાર કરતા ગુજરાતી ઉદ્યોગપતિ બંધુઓ માટે સુપ્રીમે મોટી રાહતની જાહેરાત કરી છે. સ્ટર્લિંગ કંપનીના માલિક નીતિન અને ચેતન સાંડેસરા બંધુઓ સામે 18,000 કરોડની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં સાંડેસરા બંધુઓ દ્વારા 5,100 કરોડ ભરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. બીજી તરફ સરકાર પણ તેના માટે રાજી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પણ આ સેટલમેન્ટને મંજૂરી આપતો આદેશ કરી દીધો છે. સુપ્રીમે જણાવ્યુ કે, સાંડેસરા બંધુઓ દ્વારા 17 ડિસેમ્બર 2025 સુધીમાં 5,100 કરોડની રકમ જમા કરાવવામાં આવે તો તેમને તમામ ગુનામાંથી મુક્ત કરવામાં આવશે. ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓએ તેમના સોલિસીટર મુકુલ રોહતગી દ્વારા સેટલમેન્ટ માટે તૈયારી બતાવી હતી. કોર્ટમાં રજૂ થયેલી અરજી પ્રમાણે સરકારે પણ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. તેના પગલે સપ્રીમે સેટલમેન્ટનો આદેશ આપ્યો હતો. જાણકારોના મતે તેમણે બેન્ક લોન નહીં ભરવાના અને ડિફોલ્ટર થવાના કથિત આરોપમાંથી માત્ર ત્રીજા ભાગની રકમ ભરવાની આવશે. 

સાંડેસરા બંધુઓની નેટવર્થ અબજો ડોલર સુધી પહોંચી ગઈ

સૂત્રોના મતે આ પહેલાં પણ સેટલમેન્ટના પ્રયાસ થયા હતા. તે દરમિયાન સ્ટર્લિંગ જૂથ દ્વારા 3,500 કરોડ જમા કરાવી દેવાયા છે. તે ઉપરાંત એનસીએલટી દ્વારા 1,200 કરોડની વસુલાત પણ કરવામાં આવી છે. તે પ્રમાણે હવે માત્ર 2,000 કરોડની રકમ જ ભરવાની આવે તેમ છે. આ માટે સાંડેસરા બંધુઓ તૈયાર છે. તેઓ કુલ 5,100 કરોડનું સેટલમેન્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, 2017માં દેશ છોડીને જતા રહેલા સાંડેસરા બંધુઓ આજે નાઈજિરિયામાં ધનકુબેર બની ગયા છે. મલ્ટિપલ સેક્ટરમાં તેમનો બિઝનેસ ફેલાયો છે અને તેઓ ફાર્માથી માંડીને એનર્જી સેક્ટર સુધી વિસ્તરી ગયા છે. તેમની નેટવર્થ અબજો ડોલર સુધી પહોંચી ગઈ છે. 

સીબીઆઈ, ઈડી, આઈટી સહિતની એજન્સીઓ દ્વારા તપાસમાંથી મુક્તિ અપાશે 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટમાં દિગ્ગજ સોલિસીટર અને સરકારના અન્ય અધિકારીઓની હાજરીમાં સેટલમેન્ટ માટે દલીલો થઈ હતી. આ દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસીટર જનરલ એસ.વી. રાજુ અને તેમની ટીમ હાજર હતા. બીજી તરફ સિનિયર એટવોકેટ મુકુલ રોહતગીએ સેટલમેન્ટ માટે દલીલો કરી હતી. તેમાં 5,100 કરોડનો આંકડો નક્કી થયો હતો. સૂત્રોના મતે બેન્કો સાથે ચર્ચા કર્યા બાદ જ આ આંકડા માટે સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી. તેના બદલામાં સરકાર દ્વારા સાંડેસરા બંધુઓને સીબીઆઈ, ઈડી, આઈટી સહિતની એજન્સીઓની તપાસથી મુક્ત કરાશે અને ક્લીનચીપ અપાશે. 

આ સમાચાર શેર કરો