NEET પેપર લીક મામલે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફના નિવેદનમાં વિરોધાભાસ

ભારતની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ના પેપર લીક વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે. એક તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી સંસ્થાકીય ખામી સ્વીકારી રહ્યા છે, તો બીજી તરફ એજન્સી ડિજિટલ ક્લીન ચીટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર વિવાદની ઇનસાઇડ સ્ટોરી ખુબ જ રસપ્રદ છે.
NTA નો બચાવ સિસ્ટમમાંથી લીક નથી થયું
21 મેના રોજ સંસદીય પેનલ સમક્ષ હાજર થયેલા NTA ના ડાયરેક્ટર જનરલ (DG) અભિષેક સિંઘે જણાવ્યું કે, NEET-UG 2026 નું પેપર “સિસ્ટમ દ્વારા લીક થયું નથી”. NTA નો દાવો છે કે તેમની આંતરિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સર્વર સુરક્ષિત હતા.
શિક્ષણ મંત્રીની કબૂલાત ચેઈન ઓફ કમાન્ડ તૂટી
NTA ના આ દાવાની બિલકુલ વિપરીત, થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેરમાં સ્વીકાર્યું હતું કે, આ કેસમાં ચેઈન ઓફ કમાન્ડમાં ભંગ થયો હતો અને સરકારે તેની જવાબદારી પણ સ્વીકારી છે. વિદ્યાર્થીઓનો સવાલ કરી રહ્યા છે કે, જો પેપર છાપવા, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા કે વિતરણના કોઈ પણ તબક્કે (ચેઈન ઓફ કમાન્ડમાં) લીક થયું હોય, તો તેને સિસ્ટમ ફેલ્યોર કેમ ન ગણાય? વિદ્યાર્થીઓ માટે માત્ર કમ્પ્યુટર સર્વર જ સિસ્ટમ નથી, પરંતુ આખી પ્રક્રિયા જ સિસ્ટમ છે.
CBI તપાસ NTA ની મુશ્કેલી વધારશે?
NTA ભલે આ મામલાને ટેકનિકલ શબ્દોમાં નાનો બતાવવાનો પ્રયાસ કરે, પરંતુ સીબીઆઈની તપાસ કઈંક અલગ જ વાત કહી રહી છે. CBI એ 7 દિવસ પહેલા જ કેમિસ્ટ્રીના લેક્ચરર પી.વી. કુલકર્ણીની ધરપકડ કરી છે, જેમને આ આખા રેકેટના 'કિંગપિન' માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, કેમિસ્ટ્રીના લીક થયેલા પ્રશ્નો પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા અને સંગઠિત નેટવર્ક દ્વારા લાખો રૂપિયામાં વેચાયા હતા.
ઓનલાઈન પરીક્ષા તરફ પ્રયાણ?
આ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં NEET પરીક્ષાને કમ્પ્યુટર આધારિત કરવામાં આવી શકે છે. નિષ્ણાતોના મતે, આ નિર્ણય જ દર્શાવે છે કે વર્તમાન ઓફલાઈન પેપર-પેનલ પ્રક્રિયામાં મોટી ખામીઓ રહેલી છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓનો આક્રોશ
લાખો રૂપિયા ખર્ચીને રાત-દિવસ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ કોઈ ટેકનિકલ ચર્ચા નથી. વાલીઓ પૂછી રહ્યા છે કે, જો સરકારે ખામી સ્વીકારી લીધી છે, તો NTA હજુ પણ તેને પેપર લીક તરીકે સ્વીકારવામાં આનાકાની કેમ કરી રહ્યું છે?

