કોંગ્રેસે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામોને લઈને નિરીક્ષકોની કરી નિમણૂક
મહારાષ્ટ્રમાં મતદાન થઈ ગયું છે અને આવતી કાલે મતગણતરી થશે. એવામાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના

મહારાષ્ટ્રમાં મતદાન થઈ ગયું છે અને આવતી કાલે મતગણતરી થશે. એવામાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર તમામની નજર છે. એક્ઝિટ પોલમાં મહાયુતિની તરફેણમાં આગાહી કરવામાં આવી છે. જો કે એક્ઝિટ પોલ દરેક વખતે સાચા જ હોય તેવું પણ જરૂરી નથી. તેથી તમામ પક્ષોએ પોતપોતની તૈયારીઓ શરુ કરી દીધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પછીના માહોલ પર નજર રાખવા માટે પાર્ટીના નેતાઓ અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ અને ડૉ. જી. પરમેશ્વરને મહારાષ્ટ્રમાં AICC નિરીક્ષકો તરીકે અને ઝારખંડમાં AICC નિરીક્ષક તરીકે તારિક અનવર, મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને ક્રિષ્ના અલ્લાવુરુની નિમણુંક કરી છે.
મહાવિકાસ અઘાડીમાં પણ બેઠકોનો દોર શરૂ
જો કે મહાવિકાસ અઘાડીને પણ એક્ઝિટ પોલ પર ભરોસો નથી. તે પણ પોતાની જીતનો દાવો કરી રહી છે. એવામાં મહાવિકાસ અઘાડીમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે. મહાવિકાસ આઘાડીએ બળવાખોર અપક્ષ ઉમેદવારોનો સંપર્ક શરૂ કર્યો છે. મહાવિકાસ આઘાડીના નેતાઓ જીતી શકે તેવા ઉમેદવારોના સંપર્કમાં છે.
કોણ કેટલી બેઠકો પર મેદાનમાં?
મહારાષ્ટ્રમાં હરીફાઈ સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ એમવીએ ગઠબંધન વચ્ચે છે. મહાગઠબંધનમાં ભાજપે 149 બેઠકો પર, શિવસેના (શિંદે) 81 બેઠકો પર અને અજિત પવારની એનસીપીએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે મહાવિકાસ અઘાડી (MVA)માં કોંગ્રેસ 101 બેઠક પર, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 બેઠક પર ચૂંટણી લડી રહી છે.








