લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બદલ્યા અને ગઠબંધન પણ તૂટ્યું, હરિયાણામાં કોને ફાયદો કે નુકસાન?
લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. ગણતરીના દિવસોમાં સાતમા અને અંતિમ તબક્ક

લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. ગણતરીના દિવસોમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. આ મતદાન હરિયાણા માટે તો દંગલ જ સાબિત થવાનું છે. દંગલ અને કુશ્તી માટે જાણીતા હરિયાણામાં રાજકીય દંગલ પણ બરાબર જામ્યું છે. છઠ્ઠા તબક્કામાં અહીંયા મતદાન તો પૂરું થઈ ગયું પણ અહીંયાનું રાજકીય ગણિત સમજવું ખૂબ જ અઘરું છે. હરિયાણા વિશે એવું માનવામાં આવે છે કે, આ બેલવેડર સ્ટેટ છે. અહીંયા જે પણ પક્ષની રાજ્ય સરકાર હોય છે તેની જ કેન્દ્ર સરકાર સત્તામાં આવે છે. અહીંયા હાલમાં ભાજપની સરકાર છે અને તેમાં પણ ઘણી ગડમથલ અને ભાંગફોડ ચાલી રહી છે. અહીંયા 2019માં ભાજપ દ્વારા તમામ 10 બેઠકો કબજે કરવામાં આવી હતી. આ વખતે સ્થિતિ બદલાઈ છે. તેના કારણે ભાજપના ફાળે કેટલી બેઠકો આવશે તે જાણવું રસપ્રદ બની ગયું છે.
હરિયાણાના બદલાયેલા સમીકરણોનો લાભ કોને થશે?
હરિયાણામાં લોકસભાની ચૂંટણી પહેલાં જ અહીંયા મોટું રાજકીય રમખાણ થયું હતું. તેમાં ગઠબંધનો તૂટી ગયા અને સરકારનં સ્વરૂપ પણ બદલાઈ ગયું હતું. આ રાજકીય ઉથલપાથલમાં ભાજપ અને જેજેપી વચ્ચે જે ગઠબંધન હતું તે તૂટી ગયું હતું. ભાજપ દ્વારા મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવાયા હતા. તેમના સ્થાને નાયબ સિંહ સૈનીને સીએમ બનાવી દેવાયા હતા. આ કારણે જેજેપી સાથેનું જોડાણ તૂટી ગયું. તે ઉપરાંત દુષ્યંત સિંહ ચૌટાલા સાથેનું જોડાણ પણ તૂટી ગયું હતું. આ કારણે ભાજપે લોકસભામાં એકલા હાથે 10 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારીને ચૂંટણી જીતવાનું આયોજન કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસ અને જેજેપી દ્વારા પણ પોતાના ઉદમેદવારો ઉતારાયા હતા.
હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તો ગઠબંધન છે. આ સંજોગોમાં ભાજપને 2019માં જે જનાદેશ મળ્યો હતો અને જે રાજકીય સાથ સહકાર મળ્યો હતો તે આ વખતે જોવા મળશે કે કેમ તે સવાલ છે. આ ઉપરાંત રાજ્યના બદલાયેલા સમીકરણોથી ભાજપને ખરેખર લાભ થશે કે કોંગ્રેસ લાભ લઈ જશે તે પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ વખતે હરિયાણાની 10 બેઠકો ઉપર 16 મહિલાઓ સહિત 223 ઉમેદવારો મેદાને હતા. તેમાં કોંગ્રેસે સ્વતંત્ર તથા આપ સાથે I.N.D.I.A. ગઠબંધન હેઠળ ઉમેદવારો ઉતાર્યા હતા. આ રાજકીય સોગઠાબાજી કેટલી ફળે છે તે જોવાનું રહ્યું.
કોંગ્રેસે બમણા જોરથી મહેનત કરી છે જે ફળી શકે
ભાજપ દ્વારા 2019માં મોટાભાગની બેઠકો જીતવામાં આવી હતી. 2019માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો અને વોટશેરનો મોટો તફાવત હતો. કોંગ્રેસે આ વખતે વધારે બેઠકો જીતવી હોય તો ભાજપના વોટશેરમાં મોટાપાયે ઘટાડો કરવો પડે તો તેને યોગ્ય બેઠક મળી શકે તેમ છે. આ વખતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલન, જાટ આંદાલન, રોજગારી અને પેપરફૂટવા જેવા મુદ્દે યુવાનો અને લોકોનો સાથ આપીને અલગ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. તેના કારણે કોંગ્રેસની મહેનત ફળે તેમ દેખાઈ રહ્યું છે.
રાજકીય જાણકારોના મતે કોંગ્રેસ દ્વારા ભાજપના વોટશેરમાં 15 ટકાનું ભંગાણ કરવામાં આવે તો મોટો ફાયદો થાય તેમ છે. રાજકીય ગણતરીઓ કહે છે કે, જો કોંગ્રેસ દ્વારા ભાજપના ૫ ટકા વોટ તોડવામાં આવે તો ભાજપને 9 બેઠકો તો મળી જ જશે. એક બેઠક ગમે તે પાસે જાય તેમ છે. તેવી જ રીતે જો 10 ટકા વોટશેર તોડવામાં આવે તો ભાજપને 8 બેઠકો મળશે અને બે બેઠકોનું માર્જિન વધશે. આ સંજોગોમાં કોંગ્રેસે ભાજપના 15 ટકા વોટ તોડવા પડે અને જો તેમ થાય તો જ કોંગ્રેસને 5 બેઠકો મળી શકે તેમ છે. આ સિવાય અન્ય કોઈ રીતે હાલમાં તો દેખાતું નથી કે કોંગ્રેસનો વિજય થાય. કેટલાક રાજકીય જાણકારો માને છે કે, છેલ્લાં એક દાયકાથી અહીંયા ભાજપનું જે રીતે વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોમાં વર્ચસ્વ રહ્યું છે. તે ઘણું મજબૂત છે. તેના દ્વારા વિપક્ષને પરસેવો પાડવો પડયો છે. કોંગ્રેસ બાદ જેજેપી અને આઈએનએલડી જેવા પક્ષો પણ ઘણી મહેનત કરે ત્યારે કદાચ સફળતા મળી શકે તેમ છે. આ વખતે ઈન્કમ્બન્સીનો માહોલ છે પણ તે પ્રો છે કે પછી એન્ટી છે તે જોવાનું રહ્યું. જેજેપી અને આઈએનએલડી જેવા પક્ષો લાભ ઊઠાવી શકે તો ઠીક છે બાકી કોંગ્રેસ તમામ પ્રકારના પ્રયાસ કરી રહી છે જે સફળ થવાની ધારણા છે.
આ વખતે દરેક બેઠક ઉપર કટ્ટર હરિફાઈ છે
લોકસભાની આ વખતની ચૂંટણી એટલા માટે પણ રસપ્રદ દેખાઈ રહી છે, કારણ કે આ વખતે દરેક બેઠક ઉપર ભાજપને કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો તરફથી કટ્ટર હરિફાઈનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગત લોકસભામાં માત્ર રોહતકમાં જ ભાજપને સ્પર્ધા નડી હતી. જ્યારે બાકીની બેઠકોમાં ખાસ અસર પડી નહોતી. આ વખતે રોહતક ઉપરાંત સિરસા અને સોનિપતમાં ભાજપને કટ્ટર સ્પર્ધાનો સામનો કરવાનો આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસની હાલત પણ એવી જ છે. તેને એમ લાગતું હતું કે, લોકો સરકારનો વિરોધ કરીને કોંગ્રેસ તરફ વળશે તો તેવું માનવું પણ ભુલ ભરેલું છે. કરનાલ, ગુરગ્રામ અને ફરિદાબાદમાં કોંગ્રેસને પરસેવો પાડવો પડયો છે. આ ઉપરાંત અંબાલા, હિરાસ, ભિવાની-મહેન્દ્રગઢ અને કુરુક્ષેત્રમાં પણ આપના આવવાથી કટ્ટર સ્પર્ધા ઊભી થઈ છે. આ વખતે કયો પક્ષ જીતશે અને કયા પક્ષના મોટાપાયે વોટ કપાશે તે જોવાનું રસપ્રદ થઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ માટે આ વખતે ક્લીન સ્વીપ મુશ્કેલ બનશે.
ઓબીસી વોટબેન્કને સાધવાનો પ્રયાસ કરાયો છે
રાજકીય જાણકારો માને છે કે, આ વખતે પણ ભાજપ ચૂંટણી પહેલાં સુધી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યો હતો. ચૂંટણી પહેલાં જે રીતે રાજ્યમાં ફેરફાર થયા અને ઉથલપાથલ થઈ ત્યારબાદ સ્થિતિ બદલાઈ છે. ભાજપે સૌથી પહેલાં તો સીએમ બદલવા પડયા છે. ભાજપે નાયબ સિંહ સૈનીને હરિયાણાના નવા સીએમ બનાવ્યા છે. નાયબ સિંહ ઓબીસી વર્ગના નેતા છે અને આ રીતે ભાજપે લોકસભા પહેલાં ઓબીસી વોટબેન્કને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પછાત વર્ગને સાધવા માટે આ અખરતો કરાયો હોવાનું જાણકારો માને છે. ગત લોકસભાના આંકડા ઉપર નજર કરીએ તો 2019માં સવર્ણોના 74 ટકા વોટ ભાજપને મળ્યા હતા જ્યારે કોંગ્રેસને માત્ર 18 ટકા વોટથી સંતોષ માનવો પડયો હતો. બીજી તરફ કોંગ્રેસને 33 ટકા જાટ મત મળ્યા હતા જ્યારે 50 ટકા જાટ મત ભાજપની તરફેણમાં ગયા હતા.
ઓબીસી સમુદાય દ્વારા ભાજપને 73 ટકા મત અપાયા હતા જ્યારે કોંગ્રેસને તો માત્ર 22 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસને 28 ટકા એસસી વોટ મળ્યા હતા જ્યારે ભાજપને 58 ટકા એસસી વોટ મળ્યા હતા. માત્ર મુસ્લિમ મત એવા હતા જેમાં કોંગ્રેસને 86 ટકા જ્યારે 16 ટકા વોટ ભાજપને મળ્યા હતા. આ વખતે જાતીગત સમીકરણો ઉપરાંત ખેડૂત આંદોલન, અગ્નિવીર યોજના માટે પણ લોકોમાં નાારજગી જોવા મળી હતી. લોકોમાં રહેલી આ નારાજગી તથા યુવાનો અને મહિલાઓમાં બેરોજગારીની સમસ્યા પરિણામ ઉપર સીધી અસર કરી શકે છે.
ગત બંને લોકસભામાં ભાજપ દમદાર રહ્યો હતો
હરિયાણાની 10 લોકસભા બેઠકો ઉપર ગત બે લોકસભામાં તો એક તરફી જ પરિણામ આવ્યું હોય તેવું જોવા મળ્યું હતું. 2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો અહીંયા એન્ટિ ઈન્કમ્બન્સી આવે તેવું લાગતું. જ્યારે મતદાન થયું અને પરિણામ આવ્યા ત્યારે સમગ્ર સ્થિતિ પલટાઈ ગઈ હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 10માંથી 7 બેઠકો કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત આઈએનએલડી દ્વારા બે બેઠક જીનવામાં આવી હતી. તે ઉપરાંત આઈએનએલડી દ્વારા બે બેઠકો પોતાના નામે કરાઈ હતી.
કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવીહતી. ભાજપનો વોટશેર 35 ટકા હતો જ્યારે કોંગ્રેસનો એક જ બેઠક જીતીને 23 ટકા અને આઈએનએળડીનો બે બેઠક જીતીને 24 ટકા વોટશેર જોવા મળ્યો હતો. તે સમયે કોંગ્રેસના હાથમાંથી બધું જ જતું રહ્યું હતું. તે પહેલાં જો 2009ની લોકસભાની વાત કરીએ તો તે સમયે કોંગ્રેસનો દબદબો હતો. 2009માં કોંગ્રેસ દ્વારા 9 બેઠકો જીતવામાં આવી હતી. આ ઉપરાંત હરિયાણા જનહિત કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ હતી. ભાજપને 2009માં એકપણ બેઠક મળી નહોતી. આઈએનએલડીના ફાળે પણ કોઈ બેઠક આવી નહોતી. 2009માં કોંગ્રેસને 42 ટકા વોટશેર મળ્યો હતો. ભાજપને 12 ટકા વોટશેર મળ્યો હતો જ્યારે આઈએનએલડીને 16 ટકા વોટશેર મળ્યો હતો પણ બેઠક મળી નહોતી.








