ક્લાઉડ સીડિંગ: કૃત્રિમ વરસાદની વૈજ્ઞાનિક પદ્ધતિ, જાણો કઈ ટેક્નિક અને કેટલો ખર્ચ થાય છે
અત્યારે જ્યારે કુદરતી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્ય

અત્યારે જ્યારે કુદરતી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે તેને રોકવા માટે વરસાદ મદદરૂપ બને છે પરંતુ ઋતુ વગર વરસાદ ન આી શકે તેના માટે કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. ક્લાઉડ સીડિંગ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે વાદળોમાં રસાયણોનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ ઉત્પન્ન કરે છે. આ ટેક્નિક દુષ્કાળ, પ્રદૂષણ અથવા પાણીની અછતને હળવી કરવામાં મદદરૂપ થાય છે. ભારતમાં, દિલ્હી જેવા શહેરોમાં હવાને સ્વચ્છ કરવા માટે પણ ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં ક્લાઉડ સીડિંગને લગતી તમામ માહિતી જાણીએ.
ક્લાઉડ સીડિંગ શું છે?
ક્લાઉડ સીડિંગ એ એક એવી પ્રક્રિયા છે જેમાં વાદળોને 'બીજ' આપવામાં આવે છે. આમાં, વિમાન અથવા મશીનોનો ઉપયોગ કરીને વાદળોમાં નાના કણો દાખલ કરવામાં આવે છે, જે પાણીના ટીપાં અથવા બરફના ટુકડા બનાવવાનું કામ કરે છે. આના પરિણામે વરસાદ આવે છે. આને હવામાનમાં ફેરફાર લાવવા માટેની સુરક્ષિત ટેક્નોલોજી ગણવામાં આવે છે.
ભારતમાં દુષ્કાળ, પૂર અને પ્રદૂષણ જેવી મોટી સમસ્યાઓ છે. દિલ્હીમાં ખાસ કરીને શિયાળામાં સ્મોગથી શ્વાસની બીમારીઓ વધે છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે, ક્લાઉડ સીડિંગથી કૃત્રિમ વરસાદ કરાવીને ધૂળ-કણો ધોઈ શકાય છે. દિલ્લીમાં પ્રદુષણ ઘટાડવા ક્લાઉડ સીડિંગ કરવામાં આવશે.
ક્લાઉડ સીડિંગનો ખર્ચ કેટલો આવે છે?
ક્લાઉડ સીડિંગનો ખર્ચ જગ્યા, પદ્ધતિ અને કદ પર નિર્ભર કરે છે. નાના પ્રોજેક્ટમાં લગભગ ₹12.5 લાખથી ₹41 લાખ અને મોટા પ્રોજેક્ટમાં વાર્ષિક ₹8-12 કરોડ જેટલો ખર્ચ આવે છે.
દિલ્હીમાં 2025ના ક્લાઉડ સીડિંગ ટ્રાયલ્સ માટે કુલ ₹3.21 કરોડ મંજૂર થયા છે, જે 5 ટ્રાયલ્સ માટે છે. દરેક ટ્રાયલનો ખર્ચ ₹55 લાખથી ₹1.5 કરોડ છે, ઉપરાંત પ્રારંભિક સેટઅપ પર વધુ ₹66 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. 100 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 5-6 દિવસની રાહત માટે પ્રતિ કિલોમીટર ₹1 લાખ ખર્ચ થાય છે.
ક્લાઉડ સીડિંગ માટે આ બે ટેક્નોલોજી મહત્ત્વની
ક્લાઉડ સીડિંગ માટે આ બે ટેક્નોલોજી મહત્ત્વની છે, જેમાં 'સ્ટેટિક સીડિંગ' - ઠંડા વાદળોમાં બરફના ક્રિસ્ટલ બનાવવા અને 'હાઇગ્રોસ્કોપિક સીડિંગ' - ગરમ વાદળોમાં મીઠાથી મોટા ટીપાં બનાવવા. ભારતમાં વિમાન, રોકેટ કે જમીન પરના મશીનોથી રસાયણો છાંટવામાં આવે છે. દિલ્હી ટ્રાયલમાં 90 મિનિટની ફ્લાઇટથી કામ થઈ જશે.
ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?
વાદળોમાં ભેજ હોય છે, પણ ટીપાં બની શકતા નથી. ટેક્નોલોજીના કારણે ભેજમાં કણો નાખીને આ ટીપાંને જોડવામાં આવે છે. જેમાં ઠંડા વાદળો માટે બરફ બનાવવામાં આવે છે, જે પીગળીને વરસાદ આપે છે. જયારે ગરમ વાદળોમાં મીઠું ભેજ શોષે છે અને ભારે ટીપાં પાડે છે.
ક્લાઉડ સીડિંગ માટે કેમિકલનો ઉપયોગ થાય છે?
સૌથી સામાન્ય કેમિકલ સિલ્વર આયોડાઇડ (AgI) છે, જે બરફના ક્રિસ્ટલ બનાવે છે. અન્ય કેમિકલમાં પોટેશિયમ આયોડાઇડ, ડ્રાય આઇસ (ઘન કાર્બન ડાયોક્સાઇડ) અને લિક્વિડ પ્રોપેનનો સમાવેશ થાય છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે, પરંતુ વધુ માત્રામાં ઉપયોગમાં લેવાથી ઝેરી હોઈ શકે છે. આ કેમિકલને વિમાનથી છાંટવામાં આવે છે અને કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે.
ભારતમાં કયા રસાયણો અને ટેક્નોલોજી?
ભારતમાં ક્લાઉડ સીડિંગ માટે મુખ્યત્વે મીઠું (સોડિયમ ક્લોરાઇડ), સિલ્વર આયોડાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ જેવા રસાયણોનો ઉપયોગ થાય છે. CAIPEEX પ્રોજેક્ટમાં હાઇગ્રોસ્કોપિક ફ્લેર (જે કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ધરાવે છે)નો ઉપયોગ કરવામાં આવે છે. દિલ્હીમાં, વિમાન દ્વારા મીઠું અથવા સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ કરવવાની યોજના છે.
ક્લાઉડ સીડિંગના ફાયદા
ક્લાઉડ સીડિંગના ફાયદા વિષે વાત કરીએ તો તે દુષ્કાળમાં પાક બચાવે છે. પ્રદૂષણ ઘટાડે છે. પૂર નિયંત્રણમાં મદદ કરે છે. દિલ્હી જેવા શહેરોમાં હવાની ગુણવત્તા સુધારે છે. લાંબા ગાળે ખર્ચ ઓછો પડે છે, કારણ કે એક ટ્રાયલથી લાખોનો લાભ થાય છે. વૈજ્ઞાનિકો કહે છે, આ આબોહવા પરિવર્તન સામે લડવાનું હથિયાર છે.
ક્લાઉડ સીડિંગના જોખમો અને સાવચેતીઓ
ક્લાઉડ સીડિંગ માટે વપરાતા કેમિકલ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે માછલીઓ અથવા માટીને અસર કરવી. આરોગ્યલક્ષી જોખમ વિષે વાત કરીએ તો સિલ્વર આયોડાઇડથી એલર્જી પણ થઈ શકે છે. આથી સાવચેતીના ભાગરૂપે ઓછી માત્રામાં તેનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ મોનિટરિંગ રાખવું જોઈએ. ભારતમાં IIT કાનપુર જેવી સંસ્થાઓ તેને સંભાળી રહી છે. તેમજ છતાં સફળતાની ખાતરી નથી, પણ આશા છે.







