Haryanaમાં BJP જીતની હેટ્રિક નજીક, જશ્ન મનાવવા પીએમ મોદી ભાજપ મુખ્યાલય જશે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આજે મત ગણતરી ચાલી રહી છે. હરિયાણાના વલણોમાં ભાજપ હેટ્રિક લગાવતી નજર આવી રહી છે. હરિયાણામાં ભાજપ 48, જ્યારે કોંગ્રેસ 35 બેઠકો પર આગળ છે. 2014માં ભાજપે 47 બેઠકો જીતી હતી. જ્યારે 2019માં માત્ર 40 સીટો ઉપર જીત નોંધાવી હતી. પરંતુ આ વખતે હેટ્રિક લગાવી વલણો મુજબ આ વખતે પાર્ટીને 49 બેઠકો મળતી જોવા મળી રહી છે.
હરિયાણામાં પરિણામના વલણમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી રહી હોવા વચ્ચેચ પીએમ મોદી આજે સાંજે ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરે તેવા સમાચાર છે. ભાજપા મુખ્યાલયમાં પીએમ મોદીનું અભિવાદન થઈ શકે છે. કારણ કે તમામ અટકળો છતાં હરિયાણામાં ભાજપની જીત નજરે આવી રહી છે.
જણાવી દઈએ કે, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ નાયબ સિંહ સૈની સાથે વાતચીત પણ કરીને હરિયાણામાં પાર્ટીના સારા પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે.
જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલ અને મત ગણતરીના શરુઆતના તબક્કાને ધ્યાનમાં લેતાં કોંગ્રેસ હરખમાં આવી ગઈ હતી. તેના કાર્યાલય પર મીઠાઈઓ પણ વહેંચાઈ ગઈ હતી. પરંતુ એક કલાક બાદ ભાજપે જંગી બહુમત સાથે લીડ મેળવી રાજ્યમાં હેટ્રિક કરવાની પ્રબળ શક્યતાઓ દર્શાવી બાજી પલટી દીધી છે.
હરિયાણામાં બાજી પલટી ગઈ
હરિયાણામાં શરુઆતના બે કલાકમાં બાજી પલટી ગઈ છે. હરિયાણા કોંગ્રેસના હાથમાં આવતાં-આવતાં રહી ગયું છે. ભાજપે જોરદાર કમબેક કર્યુ છે. જો ગણતરીના ત્રણ કલાક બાદ 11 વાગ્યા સુધીની સ્થિતિની વાત કરીએ તો ભાજપ 50 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 34 પર આગળ છે, INLD 2 અને અન્ય 4 બેઠકો પર આગળ છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપને બહુમતી મળી છે. જેને લઈને ગુરુગ્રામમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી અને એકબીજાને અભિનંદન આપવાનું શરુ કર્યુ છે. મત ગણતરીના પ્રારંભિક વલણો કોંગ્રેસની તરફેણમાં હતા અને પક્ષને સંપૂર્ણ બહુમતી મળી રહી હતી, પરંતુ અચાનક ચિત્ર બદલાઈ જતાં ભાજપ આગળ વધી રહ્યું છે. તેમ છતાં કુમારી શૈલજાએ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

