રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય સહિત ત્રણ લોકોને મળી ક્લિનચીટ, પોલીસે મહત્ત્વના સાક્ષી બનાવ્યા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં દાન ચોરીના મામલામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં ચોરીની ઘટનાથી લઈને પોલીસ કાર્યવાહી સુધીના અનેક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં 8 લોકોને આરોપી બનાવ્યા છે, જ્યારે કેટલાક મુખ્ય અધિકારીઓને ક્લીન ચિટ આપવામાં આવી છે.
ચંપત રાય અને અનિલ મિશ્રા સહિતના અધિકારીઓને ક્લીન ચિટ
પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આ કેસમાં ક્લીન ચિટ આપી દીધી છે. પોલીસ દ્વારા આ ત્રણેય પદાધિકારીઓને આ મામલામાં આરોપી બનાવવાના બદલે મહત્ત્વના સાક્ષી બનાવવામાં આવ્યા છે.
3 અને 4 જૂને સામે આવી હતી ચોરીની ઘટનાઓ
પોલીસની ચાર્જશીટ મુજબ, 3 જૂને સૌથી પહેલા અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, અનુકલ્પ મિશ્રા અને લવ કુશ મિશ્રાને ચોરી કરતા પકડવામાં આવ્યા હતા. તે દિવસે દાન ગણનાર કર્મચારી મદન ગોપાલ નિગમે આ લોકોને નોટોના બંડલ છુપાવતા જોયા હતા. ત્યારબાદ 4 જૂને પણ ચોરીની અન્ય ઘટના સામે આવી હતી, જ્યાં અવિનાશ શુક્લાને સંત પ્રસાદ વર્મા નામના કર્મચારીએ ચોરી કરતા પકડ્યો હતો. ચેકિંગ દરમિયાન ચોરી કરાયેલા 2,25,000 રૂપિયા બાથરૂમમાંથી મળી આવ્યા હતા.
ચંપત રાયને 4 જૂને મળી હતી ઘટનાની જાણકારી
ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, 4 જૂનની રાત્રે દિલ્હીથી ટ્રેન દ્વારા અયોધ્યા આવી રહેલા ચંપત રાયને આ ચોરીની જાણકારી આપવામાં આવી હતી અને તેમને ચોરીના વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા. 5 જૂને અયોધ્યા પહોંચ્યા બાદ તેમણે કારસેવકપુરમ સ્થિત આવાસે બેઠક યોજી હતી, જેમાં તેમને લેપટોપ પર સીસીટીવી ફૂટેજ પણ દેખાડવામાં આવ્યા હતા. જોકે, આ બાબતની જાણ હોવા છતાં 7 જૂને ચંપત રાયે ટ્રસ્ટના આંતરિક ઓડિટ અંગેનું નિવેદન જારી કર્યું હતું.
50 દિવસની નોકરીમાં 35 વાર ચોરી કે મદદમાં સામેલ હતો આરોપી
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં આરોપીઓનો કારનામો સામે આવ્યો છે. અવિનાશ શુક્લા 85 વાર ચોરી કરતો અને 4 વાર મદદ કરતો નજરે પડ્યો છે. જ્યારે મનીષ યાદવ નામના કર્મચારીએ 15 એપ્રિલ, 2026થી 3 જૂન, 2026 વચ્ચેના માત્ર 50 દિવસના ગાળામાં 16 વાર ચોરી કરી હતી અને 19 વાર ચોરીમાં મદદ કરી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ આ સિન્ડિકેટમાં સામેલ હતા.
નિવૃત્ત બેંક કર્મચારી પણ રેકેટમાં સામેલ
આ ચાર્જશીટમાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે નિવૃત્ત બેંક કર્મચારી સુભાષ શ્રીવાસ્તવ પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા. સુભાષ શ્રીવાસ્તવ 7 જાન્યુઆરી, 2022ના રોજ નિવૃત્ત થયા હતા અને તેમને દાનપેટીમાંથી મળતું દાન બેંકમાં જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વધુ રકમ ચોરી કરવાના લાલચે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા આરોપીઓની ચેકિંગ ન થાય તે માટે તેણે સાથ આપ્યો હતો.
79 લાખથી વધુની રકમ જપ્ત અને 133 સાક્ષીઓનો સમાવેશ
પોલીસની કાર્યવાહીમાં પકડાયેલા 7 આરોપીઓ પાસેથી કુલ 79,85,493 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસના તમામ 8 આરોપીઓના બેંક ખાતામાં કુલ 98,30,000 રૂપિયા જમા હોવાની પુષ્ટિ થઈ છે. આ સમગ્ર મામલે પોલીસે કુલ 133 સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

