દુરંતો એક્સપ્રેસ પર પથ્થરમારો! બારીનો કાચ તૂટતાં 4 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી

નાગપુરથી મુંબઈ તરફ જઈ રહી દુરંતો એક્સપ્રેસ પર 25 સપ્ટેમ્બરની રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના સમયે એક મુસાફર પોતાના ફોનમાં વીડિયો બનાવી રહ્યો હતો, જેમાં અચાનક પથ્થર વાગવાથી બારીનો કાચ તૂટવાની ઘટના કેદ થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મુસાફરોની સુરક્ષાને લઈને મોટો સવાલ ઊભો થયો છે.
કાચના ટુકડા ચહેરા પર પડ્યા
પથ્થર વાગવાથી બારીનો કાચ તૂટીને અંદર બેઠેલા મુસાફરોના ચહેરા અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ પર પડ્યો હતો. આ હુમલામાં 4 મિત્રોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે પથ્થર કાચ પર જ અટક્યો હતો, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આગળના સ્ટેશને ટ્રેન રોકાયા બાદ મુસાફરોએ રેલવે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
મધ્ય રેલવેના સીપીઆરઓ ડો. સ્વપ્નિલ નીલાએ પુષ્ટિ કરતા જણાવ્યું કે બોરખેડી સ્ટેશન પાસે ટ્રેનના A-1, B-2 અને B-5 કોચ પર પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) ની ટીમે 7 કિલોમીટરના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે રેલવે એક્ટની કલમ 153 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

