'BJP સાથે મળીને વર્ષોની તપસ્યા બરબાદ નહીં કરે શરદ પવાર', સંજય રાઉતે NCP-SPના વિલયની અટકળોને ફગાવી દીધી

NCP અને એનસીપી શરદચંદ્ર પવાર (NCP-SP) ના વિલય અંગે ચાલી રહેલી અટકળોને ઉદ્ધવ શિવસેનાના નેતા સંજય રાઉતે ફગાવી દીધી છે. 9 નવેમ્બર 2026ના રોજ પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે સ્પષ્ટ કર્યું કે, વરિષ્ઠ નેતા શરદ પવાર ભાજપ સાથે જોડાઈને પોતાની વર્ષોની રાજકીય તપસ્યાને વ્યર્થ જવા દેશે નહીં.
મર્જરની ચર્ચાઓ પર સંજય રાઉતનો દાવો
મહાવિકાસ અઘાડીના સ્પષ્ટ વલણ મુદ્દે વાત કરતા સંજય રાઉતે જણાવ્યું કે NCP (SP) અને શિવસેના (UBT) વિપક્ષી ગઠબંધન 'મહાવિકાસ અઘાડી'નો હિસ્સો છે, જ્યારે અજિત પવાર જૂથની NCP કેન્દ્રમાં NDA અને મહારાષ્ટ્રમાં 'મહાયુતિ' સાથે જોડાયેલી છે. હાલ વિલયનો કોઈ પ્રસ્તાવ નથી.
નેતૃત્વહીન NCP: રાઉતે દાવો કર્યો હતો કે, આ વર્ષે જાન્યુઆરીમાં એક વિમાન દુર્ઘટનામાં તત્કાલીન ઉપમુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ NCP નેતૃત્વહીન બની છે અને હાલ તેનું નેતૃત્વ ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી NCP અને એકનાથ શિંદે જૂથની શિવસેનાની આગળની વ્યૂહરચના નક્કી કરી રહ્યા છે.
મુલાકાતો બાદ ગરમાયેલું રાજકારણ
તાજેતરમાં છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા શરદ પવાર ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચ્યા હતા, જ્યાં પ્રફુલ્લ પટેલ અને પાર્થ પવારે તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ વિલયની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે NCPના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ દાવો કર્યો કે, જો અજિત પવાર જીવિત હોત તો ફેબ્રુઆરી 2026માં જ બંને જૂથોનો વિલય થઈ ગયો હોત. પરંતુ NCPના અન્ય વરિષ્ઠ નેતાઓ અને પ્રફુલ્લ પટેલે આ મુલાકાતને માત્ર શરદ પવારના સ્વાસ્થ્યની ખબર અંતર પૂછવા માટેની શુભેચ્છા મુલાકાત ગણાવી છે.









