‘ટિકિટ મળી નહીં તો પણ વળતર આપવું પડશે’, ટ્રેનમાંથી પડી યુવકનું મોત; સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે (Supreme Court) રેલવે અકસ્માત સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટ કર્યું છે કે મૃતક મુસાફર પાસેથી ટ્રેનની ટિકિટ (Railway Ticket) મળી ન આવે માત્ર એટલા કારણથી વળતર (Compensation)નો દાવો ફગાવી શકાય નહીં. ગુજરાતમાં વર્ષ 2017માં ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ પામેલા મહેશભાઈના માતા-પિતાને મળવાપાત્ર રૂ.8 લાખનું વળતર કોર્ટે ફરીથી બહાલ કર્યું છે.
2017માં ટ્રેનમાંથી પડી ગયા હતા
મળતી માહિતી મુજબ, 27 સપ્ટેમ્બર 2017ના રોજ મહેશભાઈ અમદાવાદ થઈને સુરત જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન ટ્રેનના જનરલ કોચમાં અચાનક ઝટકો લાગતાં તેઓ નીચે પડી ગયા હતા. ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિનાથી વધુ સમય સુધી સારવાર ચાલ્યા બાદ 31 ઓક્ટોબર 2017ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
રેલવે ટિકિટ ન મળતાં વળતરનો દાવો ફગાવાયો
આ કેસમાં રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ (Railway Claims Tribunal)એ 17 જૂન 2022ના રોજ મહેશભાઈને રેલવે મુસાફર માન્યા હતા અને તેમના માતા-પિતાને રૂ.8 લાખ વળતર આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ ઘટનાની તારીખથી ચુકાદા સુધી 9 ટકા વાર્ષિક વ્યાજ આપવાનું પણ નક્કી થયું હતું.
જોકે, ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) બાદમાં આ વળતરનો આદેશ રદ કર્યો હતો. હાઈકોર્ટે મૃતક પાસેથી રેલવે ટિકિટ મળી ન હોવાની બાબતને મહત્વ આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ ઉજ્જલ ભુઈયાં અને જસ્ટિસ એ.એસ. ચંદુરકરની બેન્ચે કહ્યું કે ટિકિટ મળી ન હોવાને કારણે જ મુસાફરને વાસ્તવિક મુસાફર ન ગણવો યોગ્ય નથી. મૃતકના પિતાએ શપથ પર આપેલા નિવેદન (Statement on Oath)માં જણાવ્યું હતું કે તેમના પુત્રે ટિકિટ ખરીદી હતી.
કોર્ટે એ પણ નોંધ્યું કે ગંભીર ઈજાઓ બાદ મહેશભાઈ એક મહિનાથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યા હતા. આવી સ્થિતિમાં પરિવારજનો પાસે ટિકિટ સુરક્ષિત રહી હોય તેવી અપેક્ષા રાખવી યોગ્ય નથી.
30 દિવસમાં ચૂકવવું પડશે રૂ.8 લાખ
સુપ્રીમ કોર્ટે રેલવે ક્લેમ ટ્રિબ્યુનલનો આદેશ યોગ્ય ગણાવીને રૂ.8 લાખનું વળતર પુનઃસ્થાપિત કર્યું છે. કોર્ટે રેલવેને આ રકમ મૃતકના માતા-પિતાને 30 દિવસની અંદર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

